આડેસર ચેકપોસ્ટ પર પોલીસની સતર્કતા રંગ લાવી : કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
કચ્છ, 09 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ આડેસર પોલીસને મહત્વની સફળતા મળી છે. આડેસર ચેકપોસ્ટ ખાતે કરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી મોટી માત્રામાં ભારતીય
આડેસર પાસેથી કારમાં ઝડપાયેલ દારૂ સાથે આરોપી


આડેસર પાસેથી કારમાં ઝડપાયેલ દારૂ સાથે આરોપી


કચ્છ, 09 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ આડેસર પોલીસને મહત્વની સફળતા મળી છે. આડેસર ચેકપોસ્ટ ખાતે કરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (ઇંગ્લિશ લિકર) ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે શખ્સોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને અંકુશમાં લેવા માટે સતત દેખરેખ અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય અને તેમની ટીમ આડેસર ચેકપોસ્ટ ખાતે વાહનોની સઘન તપાસ કરી રહી હતી.

દરમિયાન પોલીસને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે સફેદ રંગની હ્યુન્ડાઈ વેન્યુ કારમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને સાંતલપુર તરફથી સામખિયારી તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ચેકપોસ્ટ પર ખાસ વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ જણાવ્યા મુજબની કાર ત્યાં પહોંચતા તેને અટકાવી તેની સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 480 ક્વાર્ટર બોટલ કબજે કરી હતી, જેમાં આર.જે. ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કી અને વિન્ટેજ જામુન વોડકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી કાર તથા ત્રણ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે કાર્યવાહી દરમિયાન ભુજના રાવલવાડી વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ અભયસિંહ જાડેજા અને બનાસકાંઠા જિલ્લાના માડકા ગામના મુકેશભાઈ દલપતભાઈ પંડ્યાની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ સામે આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ. 5.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સફળ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી પાર પાડવામાં આવ્યું હતું.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે સતત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande