
કચ્છ, 09 જૂન (હિ.સ.) : દેશના ભવિષ્યના ઘડતરને ધ્યાનમાં રાખી યોજાતી વ્યક્તિત્વ વિકાસ શિબિરો યુવાપેઢીમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારોનું સિંચન કરતી હોય છે. આવી જ એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની શિબિરમાં કચ્છની એક નાની દીકરીએ પોતાની અનોખી પ્રતિભા અને શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા સમગ્ર જિલ્લાનું નામ દેશભરમાં ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે.
દિલ્હીમાં સૂર્ય ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ આયોજિત દસ દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 112 દીકરા-દીકરીઓએ ભાગ લીધો હતો. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં જીવનમૂલ્યો, આત્મનિર્ભરતા, અનુશાસન, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. શિબિર દરમિયાન બાળકોને રોજિંદા જીવનમાં સ્વાવલંબી બનવા માટે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં પોતાના કપડાં ધોવાથી લઈને વાસણોની સફાઈ, સમયનું સંચાલન અને સ્વતંત્ર નિર્ણય લેવાની કળા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શિબિર દરમિયાન શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને કેન્દ્રમાં રાખી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કરાટે, ડ્રિલ, પરેડ, માસ પી.ટી., યોગ, ધ્યાન, ડાન્સ, ક્રાફ્ટિંગ અને વિવિધ પ્રેરણાત્મક સત્રો દ્વારા બાળકોના વ્યક્તિત્વને નવી દિશા આપવામાં આવી હતી. સાથે જ મોબાઇલ અને ડિજિટલ સાધનોથી દૂર રાખીને રમતગમતના માધ્યમથી બાળકોને સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા. ફૂટબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, ખો-ખો, કબડ્ડી, હોર્સ રાઇડિંગ અને અવરોધ આધારિત સ્પર્ધાઓમાં પણ બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
શિબિરના સમગ્ર આયોજનમાં આધ્યાત્મિક, બૌદ્ધિક, શારીરિક, માનસિક અને સામાજિક વિકાસના પાંચ મહત્વપૂર્ણ પાસાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેના કારણે પ્રતિભાગીઓને સર્વાંગી વિકાસ માટે ઉત્તમ માહોલ મળ્યો હતો.
શિબિરના સમાપન સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને જીવનમાં અનુશાસન, સંસ્કાર, રાષ્ટ્રભાવના અને સકારાત્મક નેતૃત્વના ગુણો અપનાવવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિવિધ પ્રતિભાગીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર શિબિરમાં કચ્છ જિલ્લાના અંજારની રહેવાસી અને શિબિરની સૌથી નાની પ્રતિભાગી કુમારી પવિત્રા જયભાઈ જેટવાએ પોતાના આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, અનુશાસન, ટીમવર્ક અને સર્વાંગી પ્રદર્શનના આધારે સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપતાં તેને 112 પ્રતિભાગીઓમાંથી પ્રતિષ્ઠિત “બેસ્ટ પરફોર્મર ઓફ ધ કેમ્પ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
પવિત્રાની સિદ્ધિને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ત્યારે મળી જ્યારે આગામી વર્ષે દિલ્હીમાં યોજાનારી એડવાન્સ વ્યક્તિત્વ વિકાસ શિબિર માટે પણ તેની પસંદગી કરવામાં આવી. આ પસંદગી તેના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને શિબિરમાં દર્શાવેલી ક્ષમતાનું જીવંત પ્રમાણ માનવામાં આવી રહી છે.
શિબિર દરમિયાન પવિત્રાને સૂર્યા રોશની લિમિટેડ અને સૂર્યા ફાઉન્ડેશનના ચેરમેન તથા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જયપ્રકાશ અગ્રવાલજી સાથે વ્યક્તિગત મુલાકાત કરવાનો અવસર પણ મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેણે તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પોતાના ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવ્યું હતું.
નાની ઉંમરમાં રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ માત્ર પવિત્રા અને તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર અંજાર, કચ્છ અને ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. તેની સફળતા અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની છે અને સાબિત કરે છે કે સમર્પણ, અનુશાસન અને આત્મવિશ્વાસના બળે કોઈપણ ઊંચાઈ સર કરી શકાય છે. કચ્છની આ દીકરીએ પોતાની પ્રતિભાના તેજથી દેશભરમાં કચ્છનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar