
કચ્છ, 09 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન ભચાઉ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.
તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ભચાઉ નજીક અણુશક્તિ કંપની પાછળના સીમ વિસ્તારમાં આવેલા કાચા રસ્તા પર એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. મળેલી માહિતીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન અસલમ ઉર્ફે કારા જુસબ નારેજા (ઉંમર 32 વર્ષ), રહે. હિંમતપુરા વિસ્તાર, ભચાઉને રોકી તેની તપાસ કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી.
પોલીસે અંદાજે રૂ. 5 હજારની કિંમતની એક દેશી બનાવટની બંદૂક કબજે કરી આરોપીની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ આરોપી સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભચાઉ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખતા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ હવે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે સહિતના મુદ્દાઓની દિશામાં વધુ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar