નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઈક સાથે યુવક ઝડપાયો, ભુજ એલસીબીએ વાહન કબ્જે લઈ તપાસ શરૂ કરી
કચ્છ, 09 જૂન (હિ.સ.) : ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા વાહન ચોરી અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નંબર પ્લેટ
શંકાસ્પદ બાઇક સાથે પકડાયેલ યુવક


કચ્છ, 09 જૂન (હિ.સ.) : ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા વાહન ચોરી અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ હાલતમાં ફરતી મોટર સાયકલ સાથે એક યુવકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પશ્ચિમ કચ્છ જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા તેમજ અગાઉ થયેલા વાહનચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીના આધારે તપાસની કામગીરી કરી રહી છે.

આ દરમિયાન એલસીબીના કર્મચારીઓ ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે ભુજ-ખાવડા રોડ પર આવેલ એક ફાર્મ નજીક એક શંકાસ્પદ વ્યક્તિ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે હાજર છે. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસને મામદ ઉર્ફે હનીફ અબ્દુલગની સુમરા (ઉંમર 24 વર્ષ), રહેવાસી લોરીયા વિસ્તાર, મળી આવ્યો હતો. તેની પાસે રહેલી મોટર સાયકલ અંગે માલિકી સંબંધિત દસ્તાવેજો અને આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તે કોઈપણ પ્રકારના સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો નહોતો.

પોલીસે શંકાસ્પદ સંજોગોમાં મળી આવેલી હીરો કંપનીની એચએફ ડીલક્સ મોટર સાયકલ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કબ્જે લીધી હતી. વાહનના ચેસીસ નંબરના આધારે તેની માલિકી અને સંભવિત ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કબ્જે કરાયેલા વાહનની અંદાજિત કિંમત રૂપિયા 15 હજાર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે યુવકની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ મોટર સાયકલ ચોરીની છે કે અન્ય કોઈ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ગુનાખોરી સામે ચલાવવામાં આવી રહેલી સઘન કાર્યવાહી અંતર્ગત આ કામગીરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande