
કચ્છ, 09 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં લોકોની ધાર્મિક લાગણીઓ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ ઠગાઈ કરતા તત્વો સામે પધ્ધર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ધંધામાં પ્રગતિ કરાવવાની, પરિવારની મુશ્કેલીઓ દૂર કરવાની અને જીવનમાં ચાલી રહેલી નડતરનો અંત લાવવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા અને કિંમતી વસ્તુઓ પડાવી લેતી એક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવી પ્રકારની છેતરપીંડી કરતી ટોળકીઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન પધ્ધર પોલીસને બાતમી મળી હતી કે એક અલ્ટો કારમાં સવાર ત્રણ શખ્સો શંકાસ્પદ રીતે વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને લોકોનો વિશ્વાસ જીતી તેમને ભ્રમિત કરી રહ્યા છે.
માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે ટોળકીનો એક સભ્ય સ્ત્રીનો વેશ ધારણ કરી પોતાની પાસે વિશેષ આધ્યાત્મિક શક્તિઓ હોવાનો દેખાવ કરતો હતો. લોકોની વ્યક્તિગત સમસ્યાઓ, ધંધાકીય મંદી, પારિવારિક વિખવાદ અથવા જીવનમાં નડતર હોવાની વાતો કરી તેમને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. ત્યારબાદ ખાસ વિધિ, પૂજા-પાઠ અથવા ધાર્મિક ક્રિયા કરાવવાના બહાને રોકડ રકમ તેમજ વિવિધ સામગ્રી મેળવવામાં આવતી હતી.
પોલીસે અરવિંદનાથ ઉર્ફે કૂકકો જીવણનાથ પરમાર, બળવંતભાઈ હિરાભાઈ વાદી અને પરબત નથુભાઈ રાઠોડની ધરપકડ કરી છે. તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વિધિમાં ઉપયોગ થતી સામગ્રી તેમજ એક અલ્ટો કાર સહિત કુલ અંદાજે રૂ. 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અલગ-અલગ ગામો અને શહેરોમાં જઈ લોકો સાથે સંપર્ક સાધતા હતા. તેઓ પોતાને તાંત્રિક શક્તિઓ ધરાવતા હોવાનો દાવો કરી લોકોની સમસ્યાઓ દૂર કરવાની ખાતરી આપતા હતા. આ વિશ્વાસના આધારે તેઓ પૈસા અને અન્ય ચીજવસ્તુઓ મેળવતા હતા.
તપાસ દરમિયાન મુખ્ય આરોપી અરવિંદનાથ પરમારનો લાંબો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેના વિરુદ્ધ ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં છેતરપીંડી, વિશ્વાસઘાત, ચોરી, જુગાર તેમજ એન.ડી.પી.એસ. સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. અન્ય આરોપીઓ સામે પણ દારૂ સંબંધિત અને અન્ય કાયદાકીય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
પધ્ધર પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરતી ટોળકીઓ સામે કડક સંદેશ ગયો છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ ધંધામાં બરકત, નડતર દૂર કરવી કે ચમત્કારી ઉપાયોના નામે રૂપિયા માંગે તો તેના પ્રલોભનમાં ન આવે અને તાત્કાલિક પોલીસને જાણ કરે.
આ સમગ્ર કામગીરી પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ખાંટના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કૃષ્ણદેવસિંહ ગોહિલ, રામસંગજી સોઢા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar