
પાટણ, 09 જૂન (હિ.સ.) શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં પાટણની રતન હોસ્ટેલ ખાતે નવીન ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની વરણી માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ સુરેશ જાદવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ત્રિકમજી મંદિર ધર્માદા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનુ રીબડી, ટ્રસ્ટી અમરત સેવક સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં સર્વાનુમતે સિદ્ધપુરના પ્રવિણ ઈશ્વરભાઈ દરજીને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભુજના મુકેશ જીતુભાઈ ડાભીને ઉપપ્રમુખ, ભીલોટના સોમા કેશવલાલ સુથારને મંત્રી, મહેસાણાના મનુબબલદાસ દરજીને સહમંત્રી અને અમદાવાદના દેવરામ ડુંગરભાઈ સુથારને ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી.
ટ્રસ્ટના અન્ય સભ્યો તરીકે બોરીસણાના નટુ ગંગારામ દરજી, શિહોરીના અનિલ જગદીશભાઈ દરજી, વારાહીના જનક દલસુખભાઈ દરજી, નખત્રાણાના મહેન્દ્ર નવીનભાઈ દરજી, કલોલના જીતેન્દ્ર બાબુભાઈ દરજી અને વિસનગરના હીરા ડાયાભાઈ દરજીની નિમણૂંક કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ટ્રસ્ટના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ હોસ્ટેલના નિભાવ ખર્ચ અને સંચાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન, ‘દીકરી વધાવો’ પ્રકલ્પ અને યુવાનોના ઉચ્ચ શિક્ષણ માટે કારકિર્દી સેમિનાર જેવા કાર્યક્રમોને યથાવત્ ચાલુ રાખી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો નિર્ણય લેવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ