
વલસાડ,09 જૂન (હિ.સ.) સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ‘પ્લાસ્ટિક સફાઈ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો અને ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો હતો.અભિયાન દરમિયાન ગામના મુખ્ય માર્ગોની બંને બાજુઓ, જાહેર સ્થળો તેમજ બજાર વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતના કચરાનો સંગ્રહ કરી સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ગામના સરપંચ છનીબેન રાજેશભાઈ જાંજર, તલાટી, સફાઈ કર્મચારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શ્રમદાન કર્યું હતું.આ પ્રસંગે ગ્રામજનોને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા, સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમથી ગામમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha