
સુરત, 09 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના અનુસંધાને રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા અભિયાનની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત સુરતના ઓલપાડ તાલુકાના અગ્રણી વ્યાપારી કેન્દ્ર એવા સાયણ ગામે વહેલી સવારથી એક વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાયણ ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો, બજારો અને શેરીઓમાં વ્યાપક સફાઈ હાથ ધરીને પર્યાવરણ માટે હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકના કચરાને મોટા પ્રમાણમાં એકત્ર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં 08 જૂનથી શરૂ થયેલી આ વિશેષ ઉજવણી આગામી 21 જૂન સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છતા સપ્તાહ ઉપરાંત પ્રગતિપથ યાત્રા, જન કલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસ જેવા અનેકવિધ જનલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે