
પાટણ, 09 જૂન (હિ.સ.)પાટણ ખાતે રાણકીવાવ નજીક શ્રી મહાસતી જસમા માતાજીના મંદિર પ્રાંગણમાં સમસ્ત ઓડ મારૂ સમાજ ગુજરાત-રાજસ્થાન અને શ્રી ઓડ સમાજ સેવા મંડળ-પાટણ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ધોરણ 10, 12 અને કોલેજ પાસ વિદ્યાર્થીઓ તેમજ સમાજના નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી જસમા માતાજીની આરતી અને મહાપ્રસાદ બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું, ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સરકારી નોકરી પ્રાપ્ત કરનાર કર્મચારીઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચોપડા, ફાઈલ અને સ્કૂલ બેગનું વિતરણ કરી તેમને પરિવાર અને સમાજનું ગૌરવ વધારવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત અને રાજસ્થાનના સમાજના આગેવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ