ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક જાગૃતિ અને કચરા વિભાજન અંગે વિશેષ અભિયાન
ભાવનગર, 09 જૂન (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત શહેરના વિવિધ માર્કેટ વિસ્તારો તેમજ જાહેર સ્થળોએ પ્લ
જાગૃતિ અને કચરા વિભાજન અંગે સમાજ કરવામાં આવી રહી છે


ભાવનગર, 09 જૂન (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત શહેરના વિવિધ માર્કેટ વિસ્તારો તેમજ જાહેર સ્થળોએ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે વિશેષ IEC (Information, Education and Communication) એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડોર-ટુ-ડોર મુલાકાત લઈ નાગરિકો, વેપારીઓ અને દુકાનદારોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના અતિરેક ઉપયોગથી પર્યાવરણ, પશુઓ અને માનવ સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ કપડાની થેલીઓ અને અન્ય પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જાગૃતિ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ એકત્રિત કરવાની પદ્ધતિ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભીના કચરામાં રસોડામાંથી નીકળતો જૈવિક કચરો અને સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, કાચ તથા ધાતુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તે અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. કચરાના સ્ત્રોતે જ વિભાજન કરવાથી તેના વૈજ્ઞાનિક નિકાલ અને રિસાયક્લિંગ પ્રક્રિયામાં સરળતા રહે છે તેમજ લેન્ડફિલ પરનો ભાર પણ ઘટે છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની ભાગીદારી અત્યંત જરૂરી છે. શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે દરેક વ્યક્તિએ કચરાનું યોગ્ય વિભાજન કરવું, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવો જોઈએ.

આ પ્રકારની IEC પ્રવૃત્તિઓ દ્વારા ભાવનગર શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધે અને પર્યાવરણ સંરક્ષણ માટે લોકો વધુ જવાબદારીપૂર્વક આગળ આવે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande