
સુરત, 09 જૂન (હિ.સ.): સુરતના ઉધના-મગદલ્લા રોડ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. વાપીના રહેવાસી નિલેશ વર્મા પરિવાર સાથે નવી કાર ખરીદવા માટે શોરૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની મહિન્દ્રા સ્કોર્પિયોના બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. પરિસ્થિતિની ગંભીરતા સમજી તેમણે તરત જ વાહન રોડની બાજુમાં ઊભું રાખીને પરિવારના તમામ સભ્યોને બહાર ઉતારી દીધા હતા.
પરિવાર વાહનથી થોડે દૂર પહોંચ્યો ત્યાં જ સ્કોર્પિયોમાં આગ ભભૂકી ઊઠી હતી. થોડા જ સમયમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને ગરમીના કારણે એક પછી એક પાંચેય ટાયરો જોરદાર ધડાકા સાથે ફાટ્યા હતા. ઘટનાના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને રોડ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા એન્જિનની ટેકનિકલ ખામી આગનું કારણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ નવી કાર લેવા નીકળેલા પરિવાર માટે આ ઘટના જીવનભર યાદ રહી જાય તેવી બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે