જૂની અદાવતમાં શખ્સનો આતંક : વૃદ્ધના ઘર, દુકાન અને કારમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી
ભાવનગર, 09 જૂન (હિ.સ.) ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતના કારણે એક શખ્સે વૃદ્ધના ઘર પર પહોંચી તોડફોડ મચાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં કાર, દુકાન અને અન્ય મિલકતોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું
હુમલાનો કાર્ટૂન ફોટો


ભાવનગર, 09 જૂન (હિ.સ.) ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતના કારણે એક શખ્સે વૃદ્ધના ઘર પર પહોંચી તોડફોડ મચાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં કાર, દુકાન અને અન્ય મિલકતોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોરતળાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્નેહમિલન સોસાયટીના પ્લોટ નં. 64/બી ખાતે રહેતા અને પોતાના નિવાસસ્થાન નજીક કરિયાણાની દુકાન ચલાવતા સતાર અબ્રાહમભાઈ ઉચડીયાએ આશરે બે વર્ષ પહેલાં સાબિર છોટુભાઈ ચુડેસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની અદાવત રાખી આરોપી ગત મોડી રાત્રે લોખંડની પાઈપ સાથે સતારભાઈના ઘરે ધસી આવ્યો હતો.

આરોપીએ ઘર બહાર ઉભા રહી અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો હતો. સતારભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ઘર બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તેણે કરિયાણાની દુકાનના શટર પર લોખંડની પાઈપના ઘા મારી નુકસાન કર્યું હતું. એટલું જ નહીં, બાથરૂમની પાઈપ તોડી નાખી હતી તેમજ ઘરના સીસીટીવી કેમેરા અને દરવાજાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

તોડફોડ બાદ પણ આરોપી શાંત ન પડતા લોખંડની પાઈપ લઈને સતારભાઈને મારવા દોડ્યો હતો. આ દરમિયાન તેણે જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આસપાસના લોકો એકત્ર થતાં આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે સતાર અબ્રાહમભાઈ ઉચડીયાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાબિર છોટુભાઈ ચુડેસરા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ આગળ વધારી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande