


પોરબંદર, 09 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વનો લાભ દેશમાં સૌથી વધુ ગુજરાતને મળ્યો છે. પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના 'પ્રધાન સેવક' તરીકે તેમના 12 વર્ષથી વધુના સફળ કાર્યકાળ દરમિયાન અનેક ક્ષેત્રોમાં ગુજરાતે હરણફાળ ભરી છે. છેવાડાના વિસ્તારો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને આધુનિક તબીબી શિક્ષણ પહોંચાડવાના તેમના સંકલ્પને કારણે જ આજે પોરબંદર જેવા જિલ્લામાં જી.એમ.ઈ.આર.એસ. જેવી અત્યાધુનિક મેડિકલ કોલેજ સાકાર થઈ શકી છે. દેશના દરેક નાગરિકને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ મળે તે માટે પ્રધાન સેવક તરીકે તેમણે લીધેલા મક્કમ નિર્ણયો અને વિઝનરી નેતૃત્વની ઝાંખી આજે આ સંસ્થાની પ્રગતિમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
પોરબંદરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ આજે આસપાસના વિસ્તારના તબીબી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે આશાનું એક નવું કિરણ બનીને ઉભરી આવી છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા 18 ઓગસ્ટ 2022 ના રોજ મંજૂરી મેળવ્યા બાદ, આ સંસ્થાએ ખૂબ જ ટૂંકા ગાળામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે પ્રશંસનીય પ્રગતિ કરી છે. દર વર્ષે 100 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી આ કોલેજમાં હાલમાં ચાર બેચના કુલ 400 જેટલા ભાવિ તબીબો અભ્યાસ કરી રહ્યા છે, જેઓ અહીં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને સકારાત્મક વાતાવરણનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે.
આ જ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સ્થાનિક વિદ્યાર્થિની અમીબેન સીડા પોતાના ઘરઆંગણે જ આવી ઉત્કૃષ્ટ શૈક્ષણિક તક મળવા બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવે છે કે, મને અમદાવાદ અને વડોદરાની અન્ય કોલેજોમાં પણ પ્રવેશ મળી રહ્યો હતો, છતાં મેં ઘરઆંગણે રહીને જ અહીં અભ્યાસ કરવાનું પસંદ કર્યું. અમારું કેમ્પસ ખૂબ જ સુંદર અને ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલું ગ્રીન કેમ્પસ છે. અહીંના લેક્ચર હોલ ખૂબ જ મોટા અને સ્પેસિયસ છે, જ્યાં નિયમિત અને વ્યવસ્થિત રીતે લેક્ચર્સની સાથે જ ક્લિનિકલ પોસ્ટિંગ પણ પ્રોપર હોવાથી પ્રાયોગિક જ્ઞાન ખૂબ સારું મળે છે. અમીબેન વધુમાં ઉમેરે છે કે અહીંના હોસ્ટેલની વ્યવસ્થા પણ અદભુત છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે વોશિંગ મશીન, ઇન્ડક્શન અને આયર્ન જેવી આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે કદાચ અન્ય કોઈ કોલેજોમાં જોવા મળતી નથી. આ સાથે જ કોલેજના તમામ અધ્યાપકો ખૂબ જ સપોર્ટિવ છે અને વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી રાખે છે.
સંસ્થાના સુદ્રઢ સંચાલન અને ભવિષ્યના આયોજનો વિશે માહિતી આપતા કોલેજના ડીન ડો. સુશીલ કુમાર જણાવે છે કે, ગુજરાતની બહુ ઓછી કોલેજોમાં હોય તેવી અદ્યતન સગવડો અહીં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ ગમે ત્યારે અભ્યાસ કરી શકે તે માટે સેન્ટ્રલ લાયબ્રેરી ઉપરાંત હોસ્ટેલમાં જ 24 કલાક ખુલ્લી રહે તેવી વિશેષ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. હોસ્પિટલની વિશિષ્ટ સિદ્ધિઓ અંગે ગર્વપૂર્વક વાત કરતા તેઓ ઉમેરે છે કે, ગુજરાતમાં પ્રથમ વખત કોઈ સિવિલ હોસ્પિટલમાં 'ગર્ભ સંસ્કાર' કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હોય તો તે પોરબંદરમાં છે, જેનો બહેનો ખૂબ જ સારો લાભ લઈ રહી છે. આ ઉપરાંત અમારી કોલેજ માત્ર તબીબી શિક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા સમાજ પ્રત્યે પણ પોતાની ભાગીદારી નોંધાવી રહી છે, જેના ભાગરૂપે અમે સી.પી.આર. (CPR) જાગૃતિ માટે મોટું જન-અભિયાન ચલાવી રહ્યા છીએ.
ડો. સુશીલ કુમારના નેતૃત્વ હેઠળ કોલેજ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પર્સનલ હાઇજીન, કિશોરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન (માસિક ધર્મ સંબંધી સ્વચ્છતા) તેમજ વડીલો માટે બદલાતી જીવનશૈલીના રોગો (Lifestyle Diseases) અંગેના વિશેષ લેક્ચર્સનું આયોજન કરીને સામાજિક સ્વાસ્થ્ય સુધારવાના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. આ સાથે જ સમાજમાં અંગદાન, દેહદાન, ત્વચાકીય દાન અને ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા માટેના વિશેષ અભિયાનો પણ સતત કાર્યરત છે. કેમ્પસને પર્યાવરણપ્રેમી બનાવવાના ઉદ્દેશ્ય સાથે અત્યાર સુધીમાં અંદાજે 4,000થી 5,000 જેટલા નાના-મોટા વૃક્ષો વાવીને એક ગ્રીન, ક્લીન અને સકારાત્મક ઉર્જાથી સભર શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
માત્ર તબીબી અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓ સુધી કોલેજ સીમીત ન રહે અને જિલ્લાના અન્ય નાગરીકો પણ પોતાના ઘર આંગણે વિકાસના પર્યાય સમાન આ કોલેજને જઈ શકે તે માટે જિલ્લામાં યોજાનેર પ્રગતિ પથ યાત્રામાં પણ આ કેમ્પસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રગતીપથ યાત્રામાં પોરબંદરક જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ પણ આ કોલેજનીમુલાકાત લેશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya