
પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર શહેરમાં છેલ્લા લગભગ બે મહિનાથી વિમાન સેવા બંધ હોવાથી મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, સી-ફૂડ એક્સપોર્ટરો, ઉદ્યોગકારો તેમજ સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પોરબંદરનો મુખ્ય વ્યવસાય મત્સ્ય ઉદ્યોગ છે અને અહીંથી દર વર્ષે કરોડો રૂપિયાના સી-ફૂડ ઉત્પાદનો દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી ફિશ પ્રોસેસિંગ ફેક્ટરીઓમાં વિવિધ રાજ્યો તેમજ વિદેશના ગ્રાહકો, ખરીદદારો અને કંપનીઓના પ્રતિનિધિઓ મીટિંગ અને વ્યવસાયિક મુલાકાત માટે આવતા હોય છે.
જોકે વિમાન સેવા બંધ થતાં તેમની અવરજવર પર સીધી અસર પડી રહી છે. માહિતી મુજબ પોરબંદર-મુંબઈ વચ્ચે સંચાલિત ફ્લાઈટ સેવા 18 એપ્રિલ, 2026થી બંધ છે. અઠવાડિયામાં બે દિવસ આવન-જાવન કરતી આ ફ્લાઈટ પોરબંદરના વેપારીઓ અને મુસાફરો માટે મહત્વની સુવિધા હતી.આશ્ચર્યની વાત એ છે કે ફ્લાઈટ બંધ થયાને લગભગ બે મહિના થવા છતાં તે કયા કારણોસર બંધ કરવામાં આવી છે તેની કોઈ સ્પષ્ટ માહિતી એરલાઈન કંપની કે સંબંધિત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. જેના કારણે વેપારીઓ અને મુસાફરોમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.સાથે જ રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરી વિમાન સેવા પુનઃ શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે. વેપારીઓનું માનવું છે કે જો ફ્લાઈટ સેવા વહેલી તકે શરૂ નહીં થાય તો આગામી સિઝનમાં મત્સ્ય ઉદ્યોગને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.સાથે જ પોરબંદરની વેપારિક અને આર્થિક ગતિ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya