
પાટણ, 09 જૂન (હિ.સ.) સમી તાલુકાના જલાલાબાદ ગામે બજાણીયા સમાજના સામાજિક અને શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા વિચરતી જાતિના બજાણીયા સમાજના વિદ્યાર્થીઓ માટે છઠ્ઠા ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમમાં દાતાઓના સહયોગથી ધોરણ 9 થી 12માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, સ્કૂલ બેગ તેમજ ચોપડા સહિતની શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારનાર અલ્પેશ સોમાભાઈ બજાણીયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ