

પોરબંદર, 09 જૂન (હિ.સ.) ચોમાસાની ઋતુના પ્રારંભે જ પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. મગફળીની વાવણી માટે ખરીદવામાં આવેલા બિયારણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આદિત્યાણા સહિતના વિસ્તારોના ખેડૂતોનો આક્ષેપ છે કે જૂનાગઢ બીજ નિગમ દ્વારા વિતરણ કરાયેલ બિયારણ ગુણવત્તાના ધોરણોને અનુરૂપ નથી, જેના કારણે ખેડૂતોની આખી સીઝન જોખમમાં મુકાઈ શકે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીનું બિયારણ ખેતીનું પાયાનું સાધન છે, પરંતુ જે બિયારણ આપવામાં આવ્યું છે તે અંગે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે.સમયસર અને યોગ્ય ગુણવત્તાનું બિયારણ ન મળતાં ખેડૂતોમાં નિરાશા અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જો બિયારણમાં ખામી સાબિત થશે તો પાક ઉત્પાદન પર સીધી અસર પડશે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે.ચોમાસું માથે આવી પહોંચ્યું હોવા છતાં ખેડૂતો હવે વાવણી કરતાં પહેલાં બિયારણની ગુણવત્તા અંગે ચિંતિત બન્યા છે. ખેતી માટે લીધેલી લોન, કરેલો ખર્ચ અને મહિનાઓની મહેનત જોખમમાં મુકાઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે નબળું બિયારણ માત્ર પાકને જ નહીં પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ ભારે ફટકો પહોંચાડી શકે છે.
આદિત્યાણા ગામના ખેડૂતો દ્વારા બિયારણ વિતરણ પ્રક્રિયામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને ગુણવત્તાયુક્ત મગફળીનું બિયારણ પૂરું પાડવામાં આવે.ખેતીની સીઝનના સૌથી મહત્વપૂર્ણ તબક્કે ઊભા થયેલા આ વિવાદે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે.
હવે તંત્ર ખેડૂતોની ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને સમસ્યાનો ઉકેલ કેટલા સમયમાં લાવે છે તેના પર સમગ્ર ખેડૂત સમાજની નજર મંડાયેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya