


પોરબંદર, 09 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીની સૂચના અને કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં માર્ગ સલામતી વધે અને અકસ્માતોની સંભાવના ઘટે તે માટે નવા બનેલા ડામરના રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનચાલકો અને રાહદારીઓને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા છાયા ચોકી પાસે આવેલ વસુંધરા કોમ્પ્લેક્સ વિસ્તાર, પંચવટી સોસાયટી, ડાયમંડ પાનવાડી ગલી, બેંક ઓફ બરોડા પાસેની ગલી સહિતના વિવિધ સ્થળોએ થર્મોપ્લાસ્ટિક માર્કિંગની કામગીરી કરવામાં આવી રહી છે. નવા ડામર રસ્તાઓ પર માર્ગની દિશા, લેન વ્યવસ્થા અને અન્ય જરૂરી રોડ ચિહ્નો સ્પષ્ટ રીતે દેખાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે વાહનચાલકોને માર્ગ અંગે વધુ સ્પષ્ટતા મળે છે અને ટ્રાફિક વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં મદદ મળે છે.
થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ માર્ગ સલામતી માટે ઉપયોગમાં લેવાતી એક આધુનિક અને અત્યંત અસરકારક પદ્ધતિ છે. વિશિષ્ટ પ્રકારના થર્મોપ્લાસ્ટિક મટિરિયલને ઊંચા તાપમાને પીગાળીને રસ્તા પર લગાવવામાં આવે છે, જે ઠંડુ થયા બાદ રસ્તાની સપાટી સાથે મજબૂત રીતે ચોંટી જાય છે અને લાંબા સમય સુધી ટકાઉ રહે છે. આ માર્કિંગમાં રિફ્લેક્ટિવ ગ્લાસ બીડ્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી રાત્રિના સમયે તેમજ વરસાદી મોસમ દરમિયાન વાહનોની હેડલાઇટના પ્રકાશમાં રોડ માર્કિંગ સ્પષ્ટપણે દેખાય છે.
પરિણામે વાહનચાલકોને માર્ગની દિશા, વળાંક, ક્રોસિંગ અને અન્ય ટ્રાફિક સૂચનાઓ સરળતાથી સમજાય છે.
ખાસ કરીને રાત્રિના સમયે અને ઓછી દૃશ્યતા ધરાવતા વિસ્તારોમાં થર્મોપ્લાસ્ટિક માર્કિંગ અકસ્માત નિવારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે માર્ગ પર દૃશ્યતા વધારી વાહનોની અવ્યવસ્થિત અવરજવર ઘટાડે છે, ટ્રાફિકને વધુ સુવ્યવસ્થિત બનાવે છે અને રાહદારીઓ તથા વાહનચાલકો બંને માટે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બને છે. મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં જ્યાં જ્યાં નવા ડામર રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ જ્યાં માર્ગ સલામતી માટે થર્મોપ્લાસ્ટિક માર્કિંગની જરૂરિયાત જણાશે ત્યાં આગામી સમયમાં પણ આ કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. નાગરિકોની સુરક્ષા અને સુવિધાને કેન્દ્રસ્થાને રાખીને માર્ગ સલામતી સંબંધિત વિવિધ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya