

ભાવનગર, 09 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામે રહેતા હરેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય તરીકે શરૂ કરનાર હરેશભાઈ આજે પોતાના પરિશ્રમ, લગન અને સુચારુ આયોજનના કારણે સફળ પશુપાલક તરીકે ઓળખ મેળવી રહ્યા છે.હાલમાં હરેશભાઈ પાસે અંદાજે 25 જેટલી ગાયો અને ભેંસો છે. પશુઓની સંખ્યા વધારવાની સાથે તેમણે તેમના આરોગ્ય, રહેઠાણ અને ખોરાકની પણ ખાસ કાળજી લીધી છે. પશુઓ માટે સ્વચ્છ અને હવાઉજાસવાળા શેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે. પશુઓને શુદ્ધ પાણી, પૌષ્ટિક ચારો અને સમયસર સારવાર મળી રહે તે માટે પણ તેઓ સતત સતર્ક રહે છે.
હરેશભાઈના પશુપાલન વ્યવસાયમાંથી દરરોજ બંને ટાઈમ મળીને અંદાજે 120 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. આ દૂધ તેમને પ્રતિ લિટર રૂ. 55ના ભાવે વેચાણ થાય છે. રોજના માટે 6,500 રૂપિયા નું દૂધ થાય છે. મહિને અંદાજિત 2,00,000 રૂપિયા સુધી ની આવક મેળવી રહ્યા છે.પશુઓના આરોગ્યને લઈને હરેશભાઈ ખૂબ જ જાગૃત છે. તેઓ નિયમિત રીતે પશુચિકિત્સકની સલાહ લે છે તેમજ રસીકરણ અને આરોગ્ય ચકાસણી સમયસર કરાવે છે. પશુઓને સંતુલિત આહાર મળે તે માટે લીલો ચારો, સુકો ઘાસ, ખાણદાણા અને ખનિજ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ તેઓને પાલીતાણા તાલુકામાં પ્રથમ ક્રમાંકે શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ અંગે પશુપાલક હરેશભાઈ રામશીભાઈ પરમારે જણાવ્યું કે, હું પશુપાલનના વ્યવસાય સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલો છે અગાઉ મારા પિતા પણ આ વ્યવસાય કરતા હતા અને તે વ્યવસાય સાથે હું પરંપરાગત રીતે જોડાયેલો છું અગાઉ અમારી પાસે બે જેટલી ભેંસો હતી અને જેના થકી અમે આ વ્યવસાયની શરૂઆત કરી હતી. હાલ મારી પાસે પાંચ અલગ અલગ નસલ ભેંસો અને 20 જેટલી અલગ અલગ નસલની ગાયો છે.
આ પશુની યોગ્ય સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી હોય છે સૌપ્રથમ સવારમાં તેને ચારો આપવામાં આવે છે તેના માટે ચાફ કટર પણ રાખ્યું છે જેનો ઉપયોગ કરીને આ ગાયોને ઘાસચારો આપવામાં આવે છે. તે જ રીતે દિવસ દરમિયાન ત્રણ વખત ચારો આપી સાર સંભાળ રાખવામાં આવે છે તેના માટે રહેવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે હાલ હું રોજના માટે 120 લીટર દૂધ ડેરીમાં ભરી રહ્યો છું. જ્યાં મને 55 રૂપિયા પ્રતિ લીટર ભાવ એવરેજ મળી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA