
પાટણ, 09 જૂન (હિ.સ.) પાટણના સખારી રોડ પર આવેલી વૃંદાવન બંગલોઝ સોસાયટીમાં છેલ્લા 27-28 દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ જતાં રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીના પ્રમુખ સોલંકી ભીખા કાલીદાસના જણાવ્યા મુજબ, અનેક વખત પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે રહીશોને ખાનગી ખર્ચે ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે.
મળતી માહિતી મુજબ, પાલિકાના R&D વિભાગની કામગીરી દરમિયાન મુખ્ય પાણી પાઇપલાઇન તૂટી ગઈ હતી. ત્યારબાદ કરાયેલ રિપેરિંગ કામ સંતોષકારક ન હોવાથી પાઇપલાઇનમાંથી લીકેજ થતું પાણી સોસાયટી સુધી પહોંચવાના બદલે ગટરો અને ખાડાઓમાં વહી રહ્યું છે. પરિણામે સોસાયટીમાં પાણીનો ફોર્સ ઘટી ગયો છે અને ઘણા ઘરોમાં પાણી પહોંચતું નથી.
આખરે કંટાળેલા રહીશોએ નગરપાલિકા પ્રમુખ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. રજૂઆત બાદ પ્રમુખે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈને પાઇપલાઇનની ક્ષતિઓની તપાસ કરી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે, જેથી રહીશોને નિયમિત પાણી પુરવઠો મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ