
- નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યઓ અને સાંસદઓએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.
ગાંધીનગર,09 જૂન (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.
મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે 11 જૂન ગૂરૂવારથી પાણી છોડવાના દિશા નિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મૂકેશ પૂરી, પાણી પુરવઠા અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ.અજય કુમાર, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર કમાન્ડ એરિયા રાબડીયા, ડાયરેક્ટર કેનાલ તેમજ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ભગદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ