
સુરત, 09 જૂન (હિ.સ.) શહેરમાં અસામાજીક તત્વો કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી ગયા હોય તેમ સરેઆમ હત્યાઓની ઘટનાઓ હવે સામાન્ય બની ચુકી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ડબલ મર્ડરની સાથે કુલ ચાર હત્યાની ઘટનાઓ નોંધાઈ ચુકી છે અને બીજી તરફ પોલીસ દ્વારા સબ સલામતની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ગત રાત્રે શહેરનાં હોડી બંગલા વિસ્તારમાં યુવકની ચપ્પુનાં ઘા ઝીંકીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઉચ્ચાધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ હત્યાની જાણ થતાં જ પરિવારજનોના માથે આભ તુટી પડ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન નજીકનાં સબંધી યુવક દ્વારા જ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેરનાં હોડી બંગળા પાસે મુસીબતપુરામાં રહેતો 30 વર્ષીય અલ્તમસ અંસારી ગત રાત્રે પોતાનાં ઘરે જમ્યા બાદ બહાર નીકળ્યો હતો. આ દરમિયાન તેના કૌટુંબિક મામા મોહમ્મદ શફી ઉર્ફે શેરા નામનો યુવક તેની પાસે આવ્યો હતો અને બંને વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને પગલે ક્રોધે ભરાયેલા મોમમ્મદ શફીએ પોતાની પાસે રહેલ ધારદાર ચપ્પુ કાઢીને અલ્તમસ પર તુટી પડ્યો હતો. આરોપી દ્વારા ઉપરા છાપરી છ જેટલા ઘા ઝીંકવાને કારણે અલ્તમસ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો.
બીજી તરફ ઉપરાછાપરી ચપ્પુનાં ઘા ઝીંક્યા બાદ આરોપી મોહમ્મદ શફી નાસી છૂટ્યો હતો જ્યારે ઘટના અંગે જાણ થતાં જ અલ્તમસની માતા સહિતનાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક અલ્તમસને લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કરતાં જ મૃતકની માતા સહિતનાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સહિત ઉચ્ચાધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. આનન ફાનનમાં આરોપીને ઝડપી પાડવા માટે અલગ - અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામં આવ્યો હતો અને સીસીટીવી સહિતની તપાસને અંતે ગણતરીનાં સમયમાં જ પોલીસ દ્વારા હત્યારોપી મોહમ્મદ શફીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આરોપીની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે