ખેડૂતોને યોગ્ય વળતર આપવાને બદલે પોલીસ બળથી ડરાવતી ભાજપ સરકાર:અમિત ચાવડા
- કોંઢ ગામ બાદ મોરબીના જેતપર ગામે ખેડૂતોને પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવ્યા વગર વીજ ટાવર ઊભા કરવાની કાર્યવાહી ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા - પોતાની જ જમીન પર ન્યાય માંગતા ખેડૂતોને પોલીસ બળથી દબાવવાનો પ્રયાસ અંગ્રેજોની દમનકારી નીતિની યાદ અ
ખેડૂતોને યોગ્ય વળતર આપવાને બદલે પોલીસ બળથી ડરાવતી ભાજપ સરકાર:અમિત ચાવડા


- કોંઢ ગામ બાદ મોરબીના જેતપર ગામે ખેડૂતોને પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવ્યા વગર વીજ ટાવર ઊભા કરવાની કાર્યવાહી ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા

- પોતાની જ જમીન પર ન્યાય માંગતા ખેડૂતોને પોલીસ બળથી દબાવવાનો પ્રયાસ અંગ્રેજોની દમનકારી નીતિની યાદ અપાવે છે: અમિત ચાવડા

અમદાવાદ,09 જૂન (હિ.સ.) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની ખેડૂત વિરોધી અને દમનકારી નીતિઓ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં ખેડૂતોના વિરોધ છતાં પાવરગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન વીજલાઈનના ટાવર ઊભા કરવાની કાર્યવાહી બાદ, હવે મોરબી જિલ્લાના જેતપર ગામમાં પણ ખેડૂતોને પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવ્યા વગર વીજલાઈનના થાંભલા ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

ખેડૂતોનો વિરોધ વિકાસની સામે નથી, પરંતુ તેમની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અને ઊભા કરાતા થાંભલાઓના કારણે થનારા કાયમી નુકસાન સામે છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમની જમીન, પાક અને ભવિષ્યમાં થનારી આર્થિક અસરોનું વાસ્તવિક મૂલ્યાંકન કરી, વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે.

તેમ છતાં, તંત્ર દ્વારા ખેડૂતો સાથે સંવાદ સાધવાને બદલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી વિરોધ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીન માત્ર મિલકત નથી, પરંતુ તેમના પરિવારની આજીવિકા, જીવનભરની મૂડી અને બાપદાદાની વારસાગત સંપત્તિ છે. કોઈપણ અધિકારી અથવા ખાનગી કંપની ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે તેમની જમીનમાં થાંભલા ઊભા કરી શકે નહીં. જમીન પર થનારી અસરો અને તેના વળતર અંગે ખેડૂતોની વાત સાંભળવી અને તેમને ન્યાય આપવો એ સરકારની જવાબદારી છે.

આજે જેતપર ગામમાં જે સ્થિતિ સર્જાઈ છે તે માત્ર એક ગામ કે થોડા ખેડૂતોનો પ્રશ્ન નથી. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોની જમીનોમાંથી વીજલાઈન પસાર કરવાની યોજનાઓ ચાલી રહી છે.

જો ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે, તો આવનારા સમયમાં હજારો ખેડૂતોને તેની સીધી માઠી અસર ભોગવવી પડશે.

વિકાસના નામે ઉદ્યોગપતિઓ અને ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવા માટે ખેડૂતોના હિતોની અવગણના કરવાની ભાજપ સરકારની નીતિ હવે ખુલ્લી પડી ગઈ છે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ સંવાદ, સમજાવટ અને ન્યાયના આધારે લાવવાને બદલે પોલીસ બળનો ઉપયોગ કરીને તેમને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વહીવટી તંત્ર ખેડૂતોનું હિતરક્ષક બનવાને બદલે ખાનગી કંપનીઓના પ્રતિનિધિ તરીકે વર્તી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જે ગુજરાતના ખેડૂતો સાથે મોટો અન્યાય છે.

પોતાના હક્ક અને ન્યાય માટે લડી રહેલા કોઠ, જેતપર ગામના તથા રાજ્યના તમામ ખેડૂતો સાથે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી ખભેખભો મિલાવીને ઊભો છે. જો ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતો સાથે ચર્ચા કરી દમનકારી કાર્યવાહી બંધ નહીં કરે, અને સમાધાનકારી વલણ નહીં અપનાવે તો ગુજરાત કોંગ્રેસ ખેડૂતોને ન્યાય અપાવવા રાજ્યવ્યાપી જનઆંદોલન શરૂ કરશે..

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande