અમદાવાદમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે બે દિવસીય ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદનો પ્રારંભ
- ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે: કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન - ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ અને રોજગારીની નવી તકોના સર્જન માટે રાજ્યમાં NIFTEM જેવી સંસ્થાઓની સ્થાપ
Two-day high-level regional policy dialogue for development of food processing sector begins in Ahmedabad


Two-day high-level regional policy dialogue for development of food processing sector begins in Ahmedabad


- ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે: કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન

- ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ અને રોજગારીની નવી તકોના સર્જન માટે રાજ્યમાં NIFTEM જેવી સંસ્થાઓની સ્થાપના જરૂરી: કૃષિ મંત્રી જીતુ વાઘાણી

અમદાવાદ,09 જૂન (હિ.સ.) ભારત સરકારના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન તેમજ ગુજરાતના કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ‘અનલોકિંગ વેલ્યૂ: એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા' વિષય પર બે દિવસીય પ્રાદેશિક નીતિ સંવાદનો પ્રારંભ થયો હતો.

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને ઉદ્ઘાટન સત્રને સંબોધતા જણાવ્યું કે ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે મૂલ્યવર્ધન, આધુનિક ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ અને પ્રાદેશિક સહયોગના મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે આ પરિબળો દક્ષિણ એશિયાની ખાદ્ય અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ સેતુ છે.

આ ક્ષેત્ર રોજગારીની નવી તકોનું સર્જન કરવા, પાકની લણણી પછી થતાં નુકસાનમાં ઘટાડો કરવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ ક્ષમતા ધરાવે છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સરકારની નીતિગત પહેલો અને આધુનિક માળખાગત સુવિધાઓના વિકાસના પરિણામે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ખાદ્ય મૂલ્ય શૃંખલાઓ (ફૂડ વેલ્યૂ ચેઇન્સ)નું નિર્માણ શક્ય બન્યું છે, જે દેશના કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને નવી દિશા આપી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાત કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસમાં દેશનું અગ્રણી રાજ્ય છે. ગુજરાતનું સહકારી માળખું, ખાસ કરીને અમૂલ મોડેલ, ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમની આવકમાં વધારો કરવા માટે વિશ્વસ્તરે સફળ મોડેલ તરીકે સ્થાપિત થયું છે.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર કૃષિ વિકાસનું મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા અને સંગ્રહ ક્ષમતામાં વધારો કરીને ખેડૂતોને ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું સર્જન પણ શક્ય બનશે..

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોસેસિંગ યુનિટ્સ અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવાની સાથે નિકાસને પ્રોત્સાહન આપતી વિવિધ નીતિઓના અમલ માટે સતત પ્રયત્નશીલ છે.

આ માટે તેમણે રાજ્યમાં 'રાષ્ટ્રીય ખાદ્ય ટેકનોલોજી ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સંસ્થાન' (NIFTEM) કેમ્પસ સ્થાપવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. જે સમગ્ર પશ્ચિમ ભારતનું એગ્રો-ફૂડ ટેક સંશોધન (R&D), ઉત્પાદન અને કૌશલ્ય વિકાસનું મુખ્ય કેન્દ્ર બની રહે અને રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે ભારતને વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ નકશા પર અગ્રણી સ્થાન આપાવી શકાય.

આ માટે તેમણે કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વધુ અસરકારક સંકલન માટે સંશોધન, નવાચાર અને કુશળ માનવબળના વિકાસ માટે દક્ષિણ એશિયાના દેશો વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ પ્રથાઓની આપ-લે વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય (MoFPI), ગુજરાત સરકાર અને વર્લ્ડ બેંક ગ્રૂપના 'સેપલિંગ' (SAPLING) પ્લેટફોર્મ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયાના વિવિધ દેશોના સરકારી પ્રતિનિધિઓ, ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ, સંશોધકો અને અન્ય સહભાગીઓ બે દિવસ સુધી મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરશે.

આ બે દિવસીય ઇવેન્ટ દરમિયાન ફૂડ પ્રોસેસિંગ ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ વ્યૂહાત્મક સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફૂડ પ્રોસેસિંગને રોજગારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિ માટે વૈશ્વિક મોડલ્સ અને દક્ષિણ એશિયાના ભવિષ્યના રોડમેપ પર સંવાદ અને વૈચારિક આદાનપ્રદાન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખાદ્ય સુરક્ષાના ધોરણો (Codex Standards), સંયુક્ત ધિરાણ (Blended Finance) અને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ દ્વારા રોકાણ વધારવા તેમજ દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે નીતિવિષયક સહયોગ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ભારતમાં ખાદ્યપ્રસંસ્કરણ વિષય પરના અભ્યાસ અહેવાલનું વિમોચન કર્યું હતું તેમજ ‘ઇનોવેશન ફેર' પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. જેમાં અદ્યતન ટેકનોલોજી અને બ્રેકથ્રૂ સોલ્યુશન્સનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં પૉલ પ્રોસી, વર્લ્ડ બૅંકના ભારતના કાર્યકારી કન્ટ્રી ડાયરેક્ટર,અર્ચના વ્યાસ, ગેટ્સ ફાઉન્ડેશનનાં કન્ટ્રી ડાયરેક્ટર તેમજ કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ વિભાગના સચિવ અવિનાશ જોશી રાજ્યના એગ્રો ફૂડ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર વિજય ખરાડી સહિત દેશ-વિદેશના સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande