
- બાળમજૂરી નાબૂદી અર્થે જિલ્લા ટાસ્કફોર્સ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી કાર્યવાહી
અમદાવાદ,09 જૂન (હિ.સ.) અમદાવાદ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સની કુલ-ચાર ટીમ દ્વારા શાહીબાગ વિસ્તારમાં આવેલ સુમેલ-11 કોમ્પ્લેક્સમાં સંયુક્તરૂપે રેડ કરી ચાર કસૂરવાર સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
9 જૂનના જિલ્લા ટાસ્ક ફોર્સની અલગ-અલગ 4 ટીમ દ્વારા સુમેલ-11 કોમર્શિયલ સેન્ટર ખાતે બાળમજુરી નાબુદી અર્થે રેડ કરવામાં આવી હતી. જે અન્વયે સુમેલ-11 ખાતે આવેલ કુલ-4 દુકાનોમાંથી કુલ-6 તરૂણ કામ કરતા મળી આવતા સદરહુ માલિકોને બાળ તથા તરૂણ શ્રમ અધિનિયમ, 1986 અંતર્ગત નોટિસ ફટકારી સંસ્થાના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર જૂન મહિના દરમિયાન બાળમજૂરી નાબૂદી અર્થે જિલ્લા ટાસ્કફોર્સ ટીમ દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર માસ દરમિયાન બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રેડની કાર્યવાહી થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ