
વોશિંગ્ટન, નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) અમેરિકન નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના અંતરિક્ષયાત્રી અનિલ મેનન 14 જુલાઈએ કઝાખસ્તાન સ્થિત બૈકોનૂર અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે આઠ મહિનાના મિશન પર રવાના થશે. 49 વર્ષીય મેનન ભારતીય મૂળના છે. આ અંગેની જાહેરાત નાસાની વેબસાઇટ પર 9 જુલાઈએ શેર કરવામાં આવી હતી. જાહેરાત મુજબ, મિનેઆપોલિસમાં યુક્રેનિયન અને ભારતીય પ્રવાસી માતા-પિતાના ઘરે જન્મેલા મેનન ઇમરજન્સી મેડિસિનના તબીબ અને અમેરિકન સ્પેસ ફોર્સમાં કર્નલ છે.
નાસાની જાહેરાત મુજબ અનિલ મેનન, કોસ્મોનોટ પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિના સાથે રોસકોસ્મોસના સોયુઝ એમએસ-29 સ્પેસક્રાફ્ટથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે ઉડાન ભરશે. ત્યાં તેઓ 'એક્સપેડિશન 74' ક્રૂ સાથે મળીને વૈજ્ઞાનિક સંશોધનને આગળ વધારશે. ઉત્તર અમેરિકાના સમય મુજબ ત્રણેય સવારે 10:47 વાગ્યે (બૈકોનૂર સમય મુજબ સાંજે 7:47 વાગ્યે) ઉડાન ભરશે. તેનું લાઇવ કવરેજ નાસા, એમેઝોન પ્રાઇમ અને નાસાના યુ-ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ રહેશે. નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.
અંતરિક્ષયાત્રી અનિલ મેનન, ડુબ્રોવ અને કિકિના એપ્રિલ 2027માં પૃથ્વી પર પરત ફરતા પહેલાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન 'એક્સપેડિશન 74/75' ક્રૂ સભ્યો તરીકે ઓર્બિટલ કોમ્પ્લેક્સમાં લગભગ આઠ મહિના વિતાવશે. મેનનની આ પ્રથમ, જ્યારે ડુબ્રોવ અને કિકિનાની આ બીજી અંતરિક્ષ ઉડાન હશે. આ દરમિયાન મેનન આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પોતાના નિવાસ દરમિયાન વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. તેમાં લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાનો માનવ શરીર પર પડતા શારીરિક પ્રભાવનો અભ્યાસ તેમજ તેની તપાસનો સમાવેશ થશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ