
કાનપુર, નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) ઉત્તર પ્રદેશ ટી20 લીગ (યૂપીટી20)નો ચોથો સીઝન 14 ઑગસ્ટથી 6 સપ્ટેમ્બર 2026 સુધી યોજાશે. 24 દિવસ ચાલનારા આ ટૂર્નામેન્ટમાં 34 મુકાબલા રમાશે, જેમાં 13 ડબલ હેડર અને 8 સિંગલ હેડર મેચ દિવસો સામેલ છે. યુપી ક્રિકેટ એસોસિએશન (યૂપીસીએ)એ રવિવારે તેની સત્તાવાર જાહેરાત કરી.
આ વખતે પ્રથમ વખત યૂપીટી20 લીગનું આયોજન બે શહેરોમાં થશે. ટૂર્નામેન્ટનો પહેલો તબક્કો લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં 13 મેચ દિવસોમાં કુલ 22 મુકાબલા થશે. ત્યારબાદ સ્પર્ધાનો બીજો તબક્કો કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં યોજાશે, જ્યાં બાકીના 12 મેચ રમાશે.
લીગનું ઉદ્ઘાટન સમારોહ અને પહેલો મુકાબલો લખનૌમાં થશે, જ્યારે ફાઇનલ અને સમાપન સમારોહ કાનપુરમાં યોજાશે.
રવિવારે યોજાયેલી યૂપીસીએ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચોથા સીઝન સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. યૂપીસીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીસીસીઆઈ ઉપાધ્યક્ષ તથા રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લાનો રમતોના વિકાસમાં સતત સહયોગ અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો.
યૂપીસીએ પોતાના નિવેદનમાં કહ્યું, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજીવ શુક્લાના પ્રોત્સાહનથી પ્રથમ વખત યૂપીટી20 લીગનું આયોજન બે શહેરો—લખનૌ અને કાનપુર—માં કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયનો હેતુ ઉત્તર પ્રદેશમાં ક્રિકેટનો વિસ્તાર કરવો, રાજ્યના રમતગમતના માળખાનો વધુ સારો ઉપયોગ કરવો અને લીગને વધુમાં વધુ દર્શકો સુધી પહોંચાડવાનો છે.
બેઠકમાં ટૂર્નામેન્ટના કાર્યક્રમ, આયોજન સ્થળ, ખેલાડી હરાજી, સંચાલન, પ્રતિભા વિકાસ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ. યૂપીટી20 સીઝન-4ની મિની હરાજી 24 જુલાઈ 2026ના રોજ આગ્રામાં યોજાશે, જેમાં છ ફ્રેન્ચાઇઝીઓ માટે 45 ખેલાડી સ્લોટ ઉપલબ્ધ રહેશે.
ગવર્નિંગ કાઉન્સિલે રિટેન્શન નીતિ, ખેલાડી પસંદગી પ્રક્રિયા, કેચમેન્ટ એરિયા ટ્રાયલ, સપોર્ટ સ્ટાફ પસંદગી માર્ગદર્શિકા અને મિની ઓક્શન નિયમોને પણ મંજૂરી આપી છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે.
સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે આ વખતે પણ કેચમેન્ટ એરિયા મોડલ ચાલુ રહેશે, જેના કારણે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવાનો અવસર મળશે.
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના સતત ચોથા સીઝનમાં પણ યૂપીટી20 લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યથાવત્ રહેશે. જ્યારે લીગનું લોકપ્રિય સત્તાવાર એન્થમ ખિલાડી અહીં બનતા હૈ પણ આ સીઝનમાં ચાલુ રહેશે.
ખેલાડીઓ અને ટીમોને પ્રોત્સાહિત કરવા માટે આ વખતે પણ કુલ 3 કરોડ રૂપિયાની ઇનામ રકમ રાખવામાં આવી છે. વિજેતા ટીમને 1 કરોડ રૂપિયા, ઉપવિજેતાને 60 લાખ રૂપિયા, જ્યારે અન્ય ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને ટીમોને પણ આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે.
યૂપીસીએએ આ વખતે સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે દરેક બાઉન્ડરી, એક નવી હરિયાળી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલ હેઠળ ટૂર્નામેન્ટમાં લાગનારા દરેક ચોગ્ગા અને દરેક છગ્ગા પર ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં એક-એક વૃક્ષારોપણ કરવામાં આવશે.
યૂપીસીએનું માનવું છે કે આ અભિયાનથી ક્રિકેટનો રોમાંચ પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાશે અને યુવા પેઢીને પ્રકૃતિ બચાવવા માટે પ્રેરણા મળશે.
યૂપીસીએ કહ્યું કે, તેનો હેતુ ઉત્તર પ્રદેશના ઉદયમાન ક્રિકેટરોને રાષ્ટ્રીય સ્તરનું મંચ ઉપલબ્ધ કરાવવાનો અને રાજ્યને દેશમાં ક્રિકેટ પ્રતિભાઓનું મુખ્ય કેન્દ્ર બનાવવાનો છે. છેલ્લા ત્રણ સફળ સીઝન બાદ આ વખતે ચોથા સંસ્કરણને લીગનું અત્યાર સુધીનું સૌથી મોટું, વધુ સારું અને સૌથી સ્પર્ધાત્મક સંસ્કરણ બનાવવા માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ