
બુડાપેસ્ટ, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). ભારતના ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને અંડર-23 એશિયન ચેમ્પિયન અમન સેહરાવતે, બુધવારે બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026માં પુરુષોની 57 કિલો ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પોલિયાક ઇમરે, વર્ગા જાનોસ અને કોઝમા ઇસ્તવાન મેમોરિયલ સિનિયર રેન્કિંગ ટુર્નામેન્ટ (બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ) ની ફાઇનલમાં, અમને સંપૂર્ણપણે એકતરફી મેચમાં જ્યોર્જિયાના રોબર્ટી ડિંગાશ્વિલીને 13-3 થી હરાવીને તકનીકી શ્રેષ્ઠતા દ્વારા ખિતાબ જીત્યો હતો.
22 વર્ષીય અમન સેહરાવતે ફરી એકવાર સાબિત કર્યું કે, તે વિશ્વના શ્રેષ્ઠ ઉભરતા કુસ્તીબાજોમાંનો એક છે. તે અગાઉ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો સૌથી યુવાન વ્યક્તિગત મેડલ વિજેતા બન્યો હતો. તે અંડર-23 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતનો પ્રથમ કુસ્તીબાજ પણ છે.
દીપકે બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારત માટે બીજો મેડલ 61 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગમાં આવ્યો, જ્યાં દીપકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ત્રીજા સ્થાનની મેચમાં દીપકે, અઝરબૈજાનના નૂરાદીન નોવરુઝોવને 9-8 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વધુ બે બ્રોન્ઝ મેડલની અપેક્ષા
ભારતને 65 કિલો ફ્રીસ્ટાઇલ વર્ગમાં વધુ બે મેડલની આશા છે.
કુમાર મોહિત, બ્રોન્ઝ મેડલની મેચમાં કઝાકિસ્તાનના નાચિન કુલાર સામે ટકરાશે.
બીજી તરફ ત્રીજા સ્થાનની મેચમાં વિશાલ કાલિરામનનો સામનો, કઝાકિસ્તાનના ઓસુમઝાન દાસ્તાનબેક સામે થશે.
મહિલા કુસ્તીબાજો પણ આજથી પોતાની તાકાત બતાવશે
ગુરુવારથી પુરુષોની 79, 92, 97 અને 125 કિગ્રા વર્ગમાં સ્પર્ધાઓ રમાશે.
ભારતીય મહિલા કુસ્તી અભિયાન પણ તે જ દિવસે શરૂ થશે, જેમાં 50 અને 55 કિલો વર્ગમાં સ્પર્ધાઓ યોજાશે.
ભારતીય મેડલ વિજેતાઓ
ગોલ્ડ મેડલ (57 કિલો ફ્રીસ્ટાઇલ): અમન સેહરાવત (જ્યોર્જિયાના રોબર્ટી ડિંગાશ્વિલીને 13-3 થી હરાવ્યો)
બ્રોન્ઝ મેડલ (ફ્રીસ્ટાઇલ 61 કિલો): દીપક (અઝરબૈજાનના નૂરાદીન નોવરોઝોવને 8-9 થી હરાવ્યો)
હિન્દુસ્થાન સમાચાર /સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ