
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) રણબીર કપૂર અને યશ અભિનીત બહુપ્રતીક્ષિત ફિલ્મ 'રામાયણ'ના ટ્રેલરની રાહ જોઈ રહેલા ચાહકોને હજુ થોડી વધુ રાહ જોવી પડશે. ૨૪ જુલાઈએ રિલીઝ થનાર ફિલ્મનું ટ્રેલર છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવ્યું. નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, ફિલ્મના આંતરરાષ્ટ્રીય વિતરણ માટે સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ સાથે મોટી ભાગીદારી થવાને કારણે હવે ટ્રેલરને વૈશ્વિક સ્તરે એકસાથે લોન્ચ કરવામાં આવશે.
નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, આ ભાગીદારી ભારતીય સિનેમા માટે એક ઐતિહાસિક પગલું છે. તેમના અનુસાર, 'રામાયણ' માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં અત્યાર સુધીની સૌથી મોટી સિનેમેટિક રિલીઝમાંથી એક હશે. તેમણે કહ્યું કે સોની પિક્ચર્સ જેવી હોલીવુડની અગ્રણી કંપની સાથે મળીને ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે તે જ ભવ્યતા સાથે રિલીઝ કરવામાં આવશે, જેવી કોઈ મોટી હોલીવુડ ફિલ્મને મળે છે.
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી 'રામાયણ'નું ટ્રેલર અગાઉ સેન ડિએગો કોમિક-કોનમાં, ફિલ્મની ટીમની હાજરી બાદ ૨૪ જુલાઈની સવારે રિલીઝ થવાનું હતું. જોકે, હવે તેની નવી રિલીઝ તારીખની જાહેરાત પછીથી કરવામાં આવશે. નમિત મલ્હોત્રાએ તેને ભારતીય સિનેમાના ૧૦૦થી વધુ વર્ષોના ઇતિહાસની ગર્વની ક્ષણ ગણાવતા કહ્યું કે, આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક વારસાને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ