નકલી કોલ સેન્ટર કેસમાં ઇડીએ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી, અમેરિકી નાગરિકો પાસેથી કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો આરોપ.
હૈદરાબાદ, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ નકલી કોલ સેન્ટર દ્વારા અમેરિકી નાગરિકો પાસેથી સાયબર છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં મુખ્ય આરોપી વિકાસ કુમાર નિમાર ઉર્ફે મિસ્ટીની ધરપકડ કરી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે નિ
નકલી કોલ સેન્ટર કેસમાં ઇડીએ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી, અમેરિકી નાગરિકો પાસેથી કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો આરોપ.


હૈદરાબાદ, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ નકલી કોલ સેન્ટર દ્વારા અમેરિકી નાગરિકો પાસેથી સાયબર છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં મુખ્ય આરોપી વિકાસ કુમાર નિમાર ઉર્ફે મિસ્ટીની ધરપકડ કરી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે નિમાર દેશના વિવિધ શહેરોમાંથી સંચાલિત એક સંગઠિત સાયબર છેતરપિંડી નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હતો, જે પોતાને ટેકનિકલ સપોર્ટ કર્મચારી તરીકે ઓળખાવીને અમેરિકી નાગરિકોને પોતાની જાળમાં ફસાવતો હતો.

ઇડી અનુસાર, આરોપીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો. એજન્સી હવે કેસમાં સામેલ અન્ય આરોપીઓ, નાણાકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય નેટવર્કની પણ તપાસ કરી રહી છે.

તપાસ એજન્સી મુજબ, વિકાસ કુમાર નિમારે હૈદરાબાદમાં એક નકલી કોલ સેન્ટર સ્થાપિત કર્યું હતું. અહીંથી પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા અમેરિકી નાગરિકોને ફોન કરવામાં આવતા હતા અને પોતાને પ્રતિષ્ઠિત ટેકનિકલ કંપનીઓના કર્મચારી તરીકે ઓળખાવીને તેમનો સંપર્ક કરવામાં આવતો હતો. આ પછી કમ્પ્યુટર અથવા અન્ય ડિજિટલ ઉપકરણોમાં ટેકનિકલ ખામી, વાયરસ સંક્રમણ અથવા સુરક્ષા સંબંધિત સમસ્યાનો ભ્રમ આપીને લોકોનો સંપર્ક સ્થાપિત કરવામાં આવતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કથિત રીતે પીડિતોને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને તેમની પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી.

ઇડીએ વર્ષ 2023માં મધાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે, મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) હેઠળ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એજન્સીએ શંકાસ્પદ બેંક ખાતાઓ, વિદેશી ફંડ ટ્રાન્સફર અને નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કર્યું. પ્રારંભિક તપાસમાં એવા પુરાવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે, આ ગેંગે અમેરિકી નાગરિકોને ધમકાવીને અને છેતરપિંડી દ્વારા કરોડો રૂપિયા એકઠા કર્યા અને આ નાણાંને વિવિધ માધ્યમોથી કાયદેસર દર્શાવવાનો પ્રયાસ કર્યો.

ઇડીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, વિકાસ કુમાર નિમાર હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, લખનૌ સહિત દેશના ઘણા શહેરોમાં સાયબર કોલ સેન્ટર ચલાવતો હતો. એજન્સીનો આરોપ છે કે તેણે 'વીસી સોલ્યુશન્સ' નામથી ઘણા કોલ સેન્ટર સ્થાપિત કર્યા હતા. આ સંસ્થાઓના બેંક ખાતાઓની તપાસમાં મોટી માત્રામાં રોકડ જમા થવાના અને શંકાસ્પદ નાણાકીય ગતિવિધિઓના પુરાવા મળ્યા છે. એજન્સી હવે આ ખાતાઓ સાથે સંકળાયેલા વ્યવહારો અને લાભાર્થીઓની પણ તપાસ કરી રહી છે.

તપાસ દરમિયાન ઇડી એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ નેટવર્ક સાથે દેશ અને વિદેશમાં કયા કયા લોકો જોડાયેલા હતા, છેતરપિંડીથી કમાયેલા નાણાંને કયા માધ્યમોથી ટ્રાન્સફર કરવામાં આવ્યા અને શું આ સમગ્ર નેટવર્કમાં અન્ય કંપનીઓ કે, વ્યક્તિઓની પણ ભૂમિકા રહી છે. એજન્સીનું કહેવું છે કે, કેસમાં મળેલા પુરાવાના આધારે આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે અને તપાસના દાયરામાં આવનારા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande