
નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). સમગ્ર દેશની નજર આજે સંસદ પર ટકેલી છે. લોકસભામાં ઘણા દિવસોથી ચાલી રહેલો ગતિરોધ સમાપ્ત થવા અને પ્રશ્નપત્ર લીક સામે કડક જોગવાઈઓ ધરાવતા વિધેયક પર ચર્ચા શરૂ થવાની સંભાવના છે. એવું કહેવામાં આવ્યું છે કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પહેલ પર, તમામ મુખ્ય રાજકીય પક્ષો સોમવારે લોક પરીક્ષા (અયોગ્ય સાધન નિવારણ) સંશોધન વિધેયક, 2026 પર ચર્ચા કરવા સંમત થયા છે.
આ સંસદનું ચોમાસુ સત્ર છે. અત્યાર સુધી બંને ગૃહોમાં વિપક્ષે વિદ્યાર્થી આંદોલન પર જોરદાર હોબાળો કર્યો છે. જંતર-મંતર પર 36 દિવસના આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. સરકારે પરીક્ષા અને પ્રશ્નપત્ર લીક રોકવા માટે ઘણા ઉપાયો કર્યા છે. નંદન નીલેકણીના નેતૃત્વમાં કાર્યદળ (ટાસ્ક ફોર્સ)ની રચના કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે પેપર લીક રોકવા માટે શક્ય તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
સંસદ માર્ચ દરમિયાન 20 જુલાઈના રોજ પોલીસ અને વિદ્યાર્થીઓના ઘર્ષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનકારીઓ સાથે ઇન્સ્ટાગ્રામ વીડિયો દ્વારા સંવાદ કર્યો હતો. તેમણે યુવાનોને ફ્રેન્ડ્સ (મિત્રો) કહીને સંબોધ્યા અને ખાતરી આપી કે, સરકાર તેમની ચિંતાથી વાકેફ અને સંવેદનશીલ છે.
વિપક્ષે સોમવારે બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં વિદ્યાર્થીઓ પર પોલીસ બળપ્રયોગનો મુદ્દો ઉઠાવ્યો અને તમામ કામકાજ બંધ કરીને પહેલા ચર્ચાની માંગ કરી. લોકસભામાં કોંગ્રેસે વડાપ્રધાનની માફી અને કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણીને લઈને જોરદાર હોબાળો કર્યો. વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં વિધેયક રજૂ કર્યું.
વિપક્ષે વિધેયક રજૂ કરવા માટે નિર્ધારિત એક કલાકમાં 92 સુધારા પ્રસ્તાવો આપ્યા, પરંતુ ચર્ચા માટે સંમત ન થયો. દિવસભર કાર્યવાહી ઠપ રહ્યા બાદ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ ચેતવણી આપી કે, ચર્ચા વિના સરકાર વિધેયકને પસાર કરાવી દેશે. ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ મોરચો સંભાળીને તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કરીને મધ્યમ માર્ગ કાઢ્યો. આજે પરીક્ષામાં સુધારાઓ પર ચર્ચા માટે લોકસભામાં છ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ