
નવી દિલ્હી, 29 જુલાઈ (હિં.સ.) રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ સલામતી પુનઃસ્થાપિત કરવા અને સુગમ ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ) એ દેશભરમાં અતિક્રમણ હટાવવાનું અભિયાન શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર ચલાવવામાં આવી રહેલા આ અભિયાનનો ઉદ્દેશ્ય ધોરીમાર્ગો પર ગેરકાયદેસર બાંધકામ, વાણિજ્યિક સંસ્થાઓ અને અનધિકૃત પ્રવેશને હટાવીને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે, એનએચએઆઈ પીઆઈયુ રાજકોટ દ્વારા, તાજેતરમાં મોટા પાયે અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન 693 કિલોમીટર ધોરીમાર્ગનું સર્વેક્ષણ કરીને 1,403 નોટિસ જારી કરવામાં આવી. આમાં ગેરકાયદેસર બાંધકામો, અનધિકૃત વાણિજ્યિક પ્રવેશ અને પરવાનગી વિના બનાવેલા મીડિયન કટનો સમાવેશ થતો હતો. કાર્યવાહી હેઠળ 361 ગેરકાયદેસર પ્રવેશ અને અતિક્રમણ હટાવવામાં આવ્યા તથા 150 અનધિકૃત મીડિયન ગેપ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યા. આ અભિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકોના સહયોગથી ચલાવવામાં આવ્યું.
તાજેતરમાં સોમનાથ-દ્વારકા ધોરીમાર્ગ પર વિશેષ અભિયાન ચલાવીને, બારડિયા અને 'ઓનેસ્ટ હોટેલથી હાથી ચોક' સુધીના ભાગમાંથી સેંકડો અતિક્રમણ હટાવવામાં આવ્યા. મંત્રાલયે જણાવ્યું કે, આ ફક્ત અમલીકરણની કાર્યવાહી નથી, પરંતુ માર્ગ સલામતીના ઉપાયો છે. અતિક્રમણ હટાવવાથી દૃશ્યતા પુનઃસ્થાપિત થાય છે, ટ્રાફિક પ્રવાહ સુધરે છે, કટોકટી સેવાઓને જગ્યા મળે છે અને અકસ્માતોની શક્યતા ઘટે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ