
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ આસામના કછાર જિલ્લામાં ધાતુ પ્રક્રિયા કરતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી ચાર મજૂરોના મોત અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થવાની ઘટના પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. આયોગે આસામના મુખ્ય સચિવ અને કછારના પોલીસ અધિક્ષકને નોટિસ જારી કરીને બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગી છે.
આયોગે જણાવ્યું કે, રિપોર્ટમાં ઘાયલોની સ્વાસ્થ્ય સ્થિતિ અને મૃતકોના પરિવારજનો તથા ઘાયલ મજૂરોને આપવામાં આવેલી વળતરની વિગતો શામેલ હોવી જોઈએ. મીડિયા રિપોર્ટમાં જાણકારી મળી કે, 26 જુલાઈના રોજ ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ પીગળેલી ધાતુ મજૂરો પર પડી, જેના કારણે ચારના મોત થયા અને બે ગંભીર રીતે ઘાયલ થયા. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 100થી વધુ મજૂરો હાજર હતા.
સ્થાનિક લોકો અને મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, આ ફેક્ટરીમાં અગાઉ પણ આવા અકસ્માતો થઈ ચૂક્યા છે. આયોગે જણાવ્યું કે જો મીડિયા રિપોર્ટ સાચી હોય તો આ ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો મામલો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ