
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતો-2026માં રજત પદક જીતનાર ભારતીય ભાર ઉત્તોલક હરજિંદર કૌર અને દોડવીર ગુલવીર સિંહને અભિનંદન પાઠવતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં, મહિલાઓની 69 કિલોગ્રામ વજન વર્ગમાં રજત પદક જીતવા બદલ હરજિંદર કૌરની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, હરજિંદરનું આ પ્રદર્શન તેમનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પણ રહ્યું, જે ખાસ કરીને નોંધનીય છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ભાર ઉત્તોલકોનું શાનદાર પ્રદર્શન દેશ માટે ગર્વની વાત છે. હરજિંદરના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.
એક અન્ય પોસ્ટમાં વડાપ્રધાને પુરુષોની 10,000 મીટર દોડમાં રજત પદક જીતનાર ગુલવીરને અભિનંદન પાઠવતા કહ્યું કે, ગ્લાસગોમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેમણે કહ્યું કે, ગુલવીરની પ્રતિબદ્ધતા અને સમર્પણ પ્રશંસનીય છે તથા તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી.
નોંધનીય છે કે, એથ્લેટિક્સમાં ગુલવીરે પુરુષોની 10,000 મીટર દોડમાં રજત પદક જીત્યો, જ્યારે હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામ વજન વર્ગમાં કુલ 227 કિલોગ્રામ વજન ઉઠાવીને બીજો રજત પદક પોતાના નામે કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ