
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના અવસરે દેશવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવતા વાઘ સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે. તેમણે કહ્યું કે, ભારતને આ વાતનું ગર્વ છે કે, દુનિયાના લગભગ 70 ટકા વાઘ આપણા દેશમાં વસવાટ કરે છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર કહ્યું કે, ભારતમાં વાઘ સંરક્ષણના પ્રયાસો પ્રકૃતિ સાથે સુમેળભર્યું જીવન જીવવાની આપણી સદીઓ જૂની સંસ્કૃતિ અને જનભાગીદારીની ભાવનાથી પ્રેરિત છે. વિજ્ઞાન આધારિત સંરક્ષણ, સામુદાયિક સહભાગિતા અને ટકાઉ વિકાસ દ્વારા દેશ વાઘ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યો છે.
તેમણે વાઘ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વનકર્મીઓ, વૈજ્ઞાનિકો અને સંરક્ષણવાદીઓના સમર્પણની પ્રશંસા કરતા કહ્યું કે, તેમના અથાક પ્રયાસોથી ભારતે આ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકાર સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા અને માનવ-વન્યજીવ સંઘર્ષને ઓછો કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સામૂહિક પ્રયાસોથી ભારત જૈવવિવિધતા સંરક્ષણના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતો રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ