
નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, ભારતે વાઘ સંરક્ષણના ક્ષેત્રમાં પોતાની વૈશ્વિક નેતૃત્વની સ્થિતિને વધુ મજબૂત કરી છે. દેશમાં હવે વિશ્વના લગભગ 75 ટકા વાઘ હાજર છે. તાજા આંકડાઓ અનુસાર, ભારતમાં વાઘની સંખ્યા 3,682 સુધી પહોંચી ગઈ છે, જે દેશના 58 વાઘ અભયારણ્યોમાં ફેલાયેલા છે.
યાદવે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના અવસરે બુધવારે 'એક્સ' પરની પોસ્ટમાં જણાવ્યું કે, વાઘની વધતી સંખ્યા ભારતના જંગલોની બહેતર સ્થિતિ અને વન્યજીવ સંરક્ષણ પ્રત્યે સતત કરવામાં આવી રહેલા પ્રયાસોનો પુરાવો છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, દેશમાં સંરક્ષણ સંબંધિત નીતિઓ અને પહેલ અસરકારક રહી છે.
તેમણે કહ્યું કે, વાઘ અને તેમના કુદરતી નિવાસસ્થાનની સુરક્ષા માટે તેમની પ્રતિબદ્ધતા આગળ પણ ચાલુ રહેશે. જંગલો સાથે સંકળાયેલા સ્થાનિક સમુદાયોની આજીવિકાને સશક્ત બનાવવા અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ