
- ₹7600 કરોડનું રોકાણ, 300 કર્મચારીઓ કાર્યરત, આગામી પાંચ વર્ષમાં 5 હજાર લોકોને રોજગારી મળશે
ગાંધીનગર, 03 જુલાઈ (હિ.સ.) : 04 જુલાઈ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં CG સેમિની OSAT સુવિધા અંતર્ગત ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે.
વડાપ્રધાનના હસ્તે લૉન્ચ થયા બાદ આ કંપની દેશ વિદેશમાં તેમના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચીપ્સ મોકલશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા ₹7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.
માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોન અને હવે CG સેમિ દ્વારા OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. CG સેમિ દ્વારા બીજા એક પ્લાન્ટના નિર્માણનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે. આ બન્ને OSAT સુવિધાઓ સાથે મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ કરશે.
વડાપ્રધાન 4 જુલાઈના રોજ CG સેમિની OSAT સુવિધામાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયા ઉપસ્થિત રહેશે. OSAT સુવિધાના શુભારંભ બાદ વડાપ્રધાનશ્રી એક સભાને સંબોધિત કરશે.
આ OSAT સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.
વડાપ્રધાનએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.”
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રને જરૂરી સહયોગ આપવા માટે ગુજરાતે સૌથી પહેલા સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી. સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં અત્યારે 6 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઈક્રોન ટેક્નોલોજી, CG સેમિ, કેન્સ સેમિકોન, સુચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ સામેલ છે. આ 6 પ્રોજેક્ટ્સ દ્વારા કુલ 14.7 બિલિયન ડૉલરનું રોકાણ આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે.
ફેબ્રુઆરી 2026માં માઈક્રોન ટેક્નોલોજીની ATMP સુવિધા અને માર્ચ 2026માં કેન્સ સેમિકોનની OSAT સુવિધા ખાતે કામગીરીની શરૂઆત એ ભારતના સેમિકોન્ડક્ટર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. તાજેતરમાં, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સને પણ નવા સેમિકોન્ડક્ટર એકમો સ્થાપવા માટે મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સ ભારતમાં સેમિકોન્ડક્ટર ઉત્પાદનને વેગ આપશે અને મુખ્ય સેમિકોન્ડક્ટર હબ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવશે.
સાણંદ: ઓટો હબથી સેમિકન્ડક્ટર હબ સુધી
ખૂબ જ ટૂંકા સમયગાળામાં, સાણંદના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. માઇક્રોન ટેકનોલોજી, કેન્સ સેમિકોન બાદ હવે CG સેમિ દ્વારા પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. એક સમયે ઓટોમોબાઇલ હબ તરીકે જાણીતું સાણંદ હવે ભારતના પ્રથમ ચિપ પેકેજિંગ ક્લસ્ટર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાઇવાનમાં સિંશું શહેર અને દક્ષિણ કોરિયાના ગ્યોંગી શહેરની જેમ ભારતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે સાણંદનો વિકાસ થઇ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાતની ઓળખ હવે માત્ર રોકાણના સ્થળ તરીકેની જ નથી રહી. હવે ગુજરાત તેનાથી આગળ વધીને ઉત્પાદન, ડિઝાઇન, પેકેજિંગ, સપ્લાય ચેઇન, કૌશલ્ય વિકાસ, સંશોધન, લોજિસ્ટિક્સ અને નવીનતાનો સમાવેશ કરતી એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બની ગયું છે. ગુજરાત સરકારે મજબૂત નીતિઓ, આધુનિક માળખાગત સુવિધાઓ, ઝડપી મંજૂરીઓ અને વ્યવસાયો માટે અનુકૂળ ગવર્નન્સ દ્વારા સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને સતત ટેકો આપ્યો છે. પ્રોજેક્ટના આયોજનથી લઈને ઉત્પાદન શરૂ કરવા સુધી, રાજ્ય દ્વારા રોકાણને પ્રોત્સાહન આપતું અને વૈશ્વિક વિશ્વાસનું નિર્માણ કરતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ