
નવી દિલ્હી, 03 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર ખાતે ચઢાવાની ચોરીની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને તેના દોષિતોને કડક સજા આપવાની માગ કરી છે. સંઘે મંદિરનું સંચાલન સંભાળી રહેલા, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસને યાદ અપાવ્યું કે, હિંદુ સમાજની સ્વાભાવિક અપેક્ષા છે કે, વ્યવસ્થા અને સંચાલનની ખામીઓ દૂર કરવામાં આવે.
સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ શુક્રવારે એક વીડિયો સંદેશમાં કહ્યું કે, રામ મંદિરના દાનપાત્રોમાં જમા રકમની ચોરી દુર્ભાગ્યપૂર્ણ છે. આથી સમગ્ર સમાજ અને રામભક્તોની ભાવના અને શ્રદ્ધાને ઠેસ પહોંચી છે.
તેમણે કહ્યું કે, “સંઘ સહિત સમગ્ર હિંદુ સમાજની ન્યાસ પાસેથી સ્વાભાવિક અપેક્ષા છે કે, આ ઘોર નિંદનીય ઘટનાને અસાધારણ માનીને, ગંભીરતાથી લેવામાં આવે અને વ્યવસ્થા તથા સંચાલનની તમામ ખામીઓ દૂર કરવા માટે પગલાં લેવામાં આવે. રામ મંદિર પર કરોડો રામભક્તોની આસ્થા અને શ્રદ્ધા અખંડ અને અડગ રહેવી જોઈએ. વર્તમાનની ભ્રમ અને અસંજસની સ્થિતિ સમાપ્ત થવી જોઈએ.“ હોસબાલેએ કહ્યું, “આ દૃષ્ટિએ અમારી અપેક્ષા છે કે, તમામ જરૂરી પગલાં મંદિર પ્રબંધન અને સરકાર દ્વારા ગઠિત વિશેષ તપાસ દળ લેશે.”
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “નાણાકીય વ્યવસ્થાપન અને સુચારુ સંચાલન માટે પારદર્શી વ્યવસ્થા તથા શુદ્ધતા અને પવિત્રતાથી પરિપૂર્ણ ધાર્મિક વાતાવરણ તૈયાર કરીને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ હિંદુ સમાજની આસ્થા અને વિશ્વાસને મજબૂત રાખશે.“
તેમણે કહ્યું કે, “સંઘ સમગ્ર હિંદુ સમાજને પણ આહ્વાન કરે છે કે, આ કઠિન ક્ષણે તે જરૂરી ધૈર્ય અને સંયમનો પરિચય આપે. સાથે જ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો લાભ ઉઠાવીને હિંદુ વિરોધી, રાષ્ટ્ર વિરોધી શક્તિઓના હિંદુ ધર્મ અને સમાજને બદનામ કરવાના ષડયંત્રોને નિષ્ફળ કરે.“
સરકાર્યવાહ હોસબાલેએ કહ્યું કે,“ રામ જન્મભૂમિ પર નિર્મિત ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ અને કરોડો રામભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનના કારણે સમગ્ર હિંદુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. ન્યાસના નિવેદન પર ઉત્તર પ્રદેશ સરકારે, વિશેષ તપાસ દળનું ગઠન કરી તેની ભલામણ પર કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. તપાસમાં જે કોઈ દોષી મળશે, તેમને કડક સજા થાય, તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.“
હિંદુસ્થાન સમાચાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ