
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'નું સત્તાવાર ટ્રેલર ગુરુવારે વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવ્યું. નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ, આઠ વખત ઓસ્કર વિજેતા વીએફએક્સ સ્ટુડિયો ડીએનઈજી અને યશની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સના સહયોગથી બનેલી આ ફિલ્મનું ટ્રેલર હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત પાંચ ભારતીય ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યું. ફિલ્મનું વૈશ્વિક વિતરણ સોની પિક્ચર્સ કરશે, જ્યારે ઉત્તર ભારતમાં તેને ધર્મા પ્રોડક્શન્સ રિલીઝ કરશે. આ બે ભાગમાં બનનારી મહાગાથાનો પહેલો ભાગ દિવાળી 2026 પર સિનેમાઘરોમાં દસ્તક દેશે.
ફિલ્મમાં રણબીર કપૂર- ભગવાન રામ, સાઈ પલ્લવી- માતા સીતા અને યશ- રાવણની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત અરુણ ગોવિલ- રાજા દશરથ, રવિ દુબે- લક્ષ્મણ, શોભના- કૈકેયી, અજિંક્ય દેવ- ઋષિ વિશ્વામિત્ર, કુણાલ કપૂર- ભગવાન ઇન્દ્ર અને રકુલ પ્રીત સિંહ- શૂર્પણખાનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મની વાર્તા ભગવાન રામના વનવાસથી લઈને રાવણ સાથે ધર્મ અને અધર્મના મહાયુદ્ધ સુધીની યાત્રાને, ભવ્ય સિનેમાઈ અંદાજમાં રજૂ કરશે. તેની પટકથા શ્રીધર રાઘવને લખી છે, જ્યારે સંગીત ઓસ્કર વિજેતા હાંસ ઝિમર અને એ.આર. રહેમાને તૈયાર કર્યું છે.
નિર્માતા નમિત મલ્હોત્રાએ કહ્યું કે, 'રામાયણ' ફક્ત એક ફિલ્મ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. જ્યારે દિગ્દર્શક નિતેશ તિવારીએ કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય આ કાલજયી મહાગાથાને પૂરી શ્રદ્ધા, પ્રામાણિકતા અને ભવ્યતા સાથે મોટા પડદા પર ઉતારવાનો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ફિલ્મ તેની ભાવનાત્મક ઊંડાઈ, તકનીકી ઉત્કૃષ્ટતા અને વિશ્વસ્તરીય પ્રસ્તુતિ દ્વારા દુનિયાભરના દર્શકો સાથે જોડાવામાં સફળ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ