
નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) નિર્દેશક નિતેશ તિવારીની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ બની ગઈ છે અને દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે. અભિનેત્રી આલિયા ભટ્ટે પણ, પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કરતા આખી ટીમને શુભેચ્છાઓ પાઠવી અને પોતાની ખુશી વ્યક્ત કરી.
ફિલ્મમાં રણબીર કપૂર- ભગવાન રામ, યશ- રાવણ અને સાઈ પલ્લવી- માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત અરુણ ગોવિલ- રાજા દશરથ, રવિ દુબે- લક્ષ્મણ, વિવેક ઓબેરોય, લારા દત્તા અને રકુલ પ્રીત સિંહ પણ મહત્વના પાત્રો ભજવતા જોવા મળશે. ભવ્ય દ્રશ્યો, દમદાર વીએફક્ષ અને પૌરાણિક કથાની શાનદાર પ્રસ્તુતિને કારણે ટ્રેલરને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
'રામાયણ: પાર્ટ 1' 8 નવેમ્બર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે, જ્યારે તેનો બીજો ભાગ વર્ષ 2027માં આવશે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભગવાન રામ, માતા સીતા અને રાવણની કાલજયી કથાને, આધુનિક ટેકનોલોજી અને ભવ્ય સિનેમેટિક અંદાજ સાથે મોટા પડદા પર રજૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ