
નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય પ્રવક્તા શાહજાદ પૂનાવાલાએ પાર્ટીની પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાનું કારણ વ્યક્તિગત જણાવ્યું છે. હાલમાં પાર્ટી તરફથી તેમના રાજીનામા પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
શાહજાદ પૂનાવાલા ભારતીય રાજકારણનો જાણીતો ચહેરો રહ્યા છે. તેઓ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા. વર્ષ 2017 માં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. તે સમયે તેમનો આરોપ હતો કે, રાહુલ ગાંધી સામે કોઈ બીજા ઉમેદવારને ચૂંટણી લડવાનો વાસ્તવિક અવસર આપવામાં આવી રહ્યો નથી અને ચૂંટણી પ્રક્રિયા પહેલેથી જ નક્કી છે. આ પછી તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.
કોંગ્રેસથી અલગ થયા પછી શાહજાદ પૂનાવાલા ભાજપમાં જોડાયા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે, વિવિધ રાજકીય અને સમકાલીન મુદ્દાઓ પર પાર્ટીનો પક્ષ પ્રમુખતાથી રજૂ કરતા રહ્યા. ટીવી ચર્ચાઓ અને પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ભાજપના મુખ્ય ચહેરાઓમાં સામેલ રહ્યા છે.
હવે તેમના રાજીનામા પછી રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને ચર્ચા તેજ બની ગઈ છે. જોકે, તેમણે પોતાના રાજીનામા પાછળ ફક્ત વ્યક્તિગત કારણો ટાંક્યા છે અને ભવિષ્યની રાજકીય ભૂમિકાને લઈને હાલમાં કોઈ સંકેત આપ્યો નથી.
હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ