
નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.) રાહુલ ગાંધીએ ભારતના ભૂતકાળ પર કરેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કહ્યું કે, “દેશનો વાસ્તવિક ભૂતકાળ તે હતો, જ્યારે કટોકટી લાદીને લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું.“
તેમણે (એક્સ) પર પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું, “હું તે સમયે ફક્ત 13 વર્ષનો હતો. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ નારા લગાવવા બદલ મને જેલમાં મોકલી દેવામાં આવ્યો. મારી માતાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા. પાછળથી મારા પિતા, જે સરકારી કર્મચારી હતા, તેમને પણ પકડી લેવામાં આવ્યા. ઘણા મહિનાઓ સુધી અમારો આખો પરિવાર અલગ-અલગ જેલોમાં બંધ રહ્યો, ફક્ત એટલા માટે કે અમે લોકશાહીના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો.”
ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કહ્યું કે,“ આજનું ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત, આત્મવિશ્વાસુ અને જીવંત લોકશાહી છે, જ્યાં નાગરિકો તે સ્વતંત્રતાઓનો આનંદ માણે છે જેને કટોકટી દરમિયાન કચડી નાખવામાં આવી હતી.“ તેમણે આરોપ લગાવ્યો કે,“ વિપક્ષનો એક વર્ગ આજે પણ તે જ કટોકટીની માનસિકતાથી પ્રેરિત થઈને વિદેશી મંચો પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરે છે.“
તેમણે તે સમયમાં ચલાવવામાં આવેલા ફરજિયાત નસબંધી અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો, જેને વ્યાપકપણે સંજય ગાંધીના પ્રભાવ સાથે જોડવામાં આવે છે. કહેવામાં આવ્યું કે,“ આ અભિયાને લાખો પરિવારોને પ્રભાવિત કર્યા અને સત્તાના દુરુપયોગનું પ્રતીક બની ગયું.“ ગોપાલ કૃષ્ણએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “આજનું ભારત લોકતાંત્રિક, આત્મવિશ્વાસુ અને આકાંક્ષી છે તથા નવી પેઢી ભૂતકાળની નિષ્ફળતાઓ અને વર્તમાનની ઉપલબ્ધિઓ વચ્ચેનો તફાવત સારી રીતે સમજે છે.“
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું છે કે,“ તેઓ ભારતનો ભૂતકાળ છે અને તેમને દેશના ભવિષ્ય એટલે કે યુવાનો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.“
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ