
નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અન્યએ, આજે ક્રાંતિકારી અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અમર સેનાની શહીદ ઉધમ સિંહના બલિદાન દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હિંમત અને જુસ્સાથી ભરેલી તેમની જીવનગાથા દેશની દરેક પેઢીને માતૃભૂમિના સ્વાભિમાનની રક્ષા માટે પ્રેરિત કરતી રહેશે.
બિરલાએ એક્સ પર લખ્યું, ક્રાંતિકારી, શહીદ સરદાર ઉધમ સિંહના બલિદાન દિવસ પર તેમને કોટિ-કોટિ નમન! સ્વતંત્રતા સેનાનીઓના સપનાને અનુરૂપ એક સશક્ત, સમરસ, ન્યાયપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ અમારું પ્રણ છે. તેમનું બલિદાન અને દેશભક્તિ સદૈવ પ્રેરિત કરતી રહેશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અદમ્ય સાહસ અને ભારતને આઝાદ કરાવવાના પ્રયાસથી કરાયેલું તેમનું બલિદાન ભારતીય ઇતિહાસનો ગૌરવપૂર્ણ અધ્યાય છે. તેમના બલિદાનને આ દેશ ફક્ત યાદ જ નહીં રાખે પરંતુ તેમની પાસેથી હંમેશા પ્રેરણા પણ મેળવતો રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, સ્વાધીનતા માટે હસતાં-હસતાં ફાંસીનો ફંદો પસંદ કરનારા શહીદ ઉધમ સિંહનું જીવન ધૈર્ય, સંકલ્પ અને રાષ્ટ્રભક્તિનું અપ્રતિમ ઉદાહરણ છે.
કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, મહાન ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહની પુણ્યતિથિ પર તેમને નમ્ર અભિવાદન!
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે, તેમનું અદમ્ય સાહસ, અટૂટ રાષ્ટ્રભક્તિ અને સર્વોચ્ચ બલિદાન ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સુવર્ણ અધ્યાય બનીને પ્રત્યેક ભારતવાસીના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની જ્યોત સદૈવ પ્રજ્વલિત કરતો રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ