
શ્રીગંગાનગર (રાજસ્થાન), નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ.): શ્રીગંગાનગર જિલ્લાના સુરતગઢ વિસ્તારમાં આજે સવારે નેશનલ હાઇવે 62 પર આર્મી ટ્રક અને એક ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ સંપૂર્ણપણે નાશ પામી હતી. એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતને કારણે હાઇવે પર અંધાધૂંધી સર્જાઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.
સુરતગઢ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 એલજીડબ્લ્યુ નજીક આ અકસ્માત થયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોને તાત્કાલિક સુરતગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય મૃતકો હિન્દુમલકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના 5B કોની ગામના રહેવાસી છે. રાજસ્થાનના ડિફેન્સ પબ્લિક રિલેશન્સ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ નિખિલ ધવનના જણાવ્યા અનુસાર, સુરતગઢ-શ્રીગંગાનગર રોડ પર કેન્ચિયન શહેર નજીક સવારે લગભગ 5:30 વાગ્યે એક નાગરિક એમ્બ્યુલન્સ, એક ટ્રકને ઓવરટેક કરતી વખતે સામેથી આવી રહેલા આર્મી એએલએસ (એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ) વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ નાગરિકોના મોત થયા હતા, જ્યારે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતીય સેનાએ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તપાસમાં નાગરિક વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / રોહિત / ઈશ્વર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ