

ચંપાવત, નવી દિલ્હી, ૦5 જુલાઈ (હિ.સ.) ઉત્તરાખંડથી કૈલાશ માનસરોવર યાત્રાની ઔપચારિક શરૂઆત, રવિવારે ટનકપુરથી 'હર-હર મહાદેવ' અને 'બમ-બમ ભોલા' ના નારાઓ વચ્ચે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શારદા ટૂરિસ્ટ હોમથી 49 યાત્રાળુઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી બતાવીને, રવાના કરી હતી અને તમામ મુસાફરોને સલામત અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કૈલાશ માનસરોવર યાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધાની બાબત નથી, પરંતુ આધ્યાત્મિક ચેતના, સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય સંવાદિતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, ભગવાન શિવની કૃપાથી જ ભક્તોને આ પવિત્ર યાત્રા કરવાની તક મળે છે અને યાત્રા દરમિયાન આદર અને ધીરજ જાળવવી જરૂરી છે.
તેમણે કહ્યું કે, કૈલાશ માનસરોવર યાત્રા પણ સરહદી વિસ્તારોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આ સ્થાનિક પ્રવાસન, વેપાર, પરિવહન અને રોજગારને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રીએ ભક્તોને સ્થાનિક હસ્તકલા અને ઉત્પાદનોની ખરીદી કરીને સરહદી વિસ્તારોની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સનાતન સંસ્કૃતિની જાળવણી અને પ્રાચીન મંદિરોના પુનરુત્થાન માટે દેશમાં વ્યાપક કામ થઈ રહ્યું છે, જેનાથી ભારતના આધ્યાત્મિક વારસાને નવી ઓળખ મળી રહી છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું પરંપરાગત છોલીયા નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે તમામ યાત્રાળુઓને રુદ્રાક્ષ અને ભગવાન શિવના પટકાથી માળા પહેરાવીને તેમનું અભિવાદન કર્યું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી.
શારદા ટૂરિસ્ટ હોમના મેનેજર મનોજ કુમારે જણાવ્યું હતું કે, પ્રથમ બેચમાં 49 યાત્રાળુઓ છે, જેમાં ડોકટરો, 34 પુરુષો અને 15 મહિલાઓ સામેલ છે. આ ટીમમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભક્તોનો સમાવેશ થાય છે. તમિલનાડુના ડૉ. અરુણ કુમાર ટીમના ડૉક્ટર છે. સૌથી વૃદ્ધ તીર્થયાત્રી રાજસ્થાનના 68 વર્ષીય પુરુષોત્તમ ખંડેલવાલ છે અને સૌથી નાના ગુજરાતના 21 વર્ષીય હરિકૃષ્ણા છે.
મુસાફરોએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી, મુસાફરીની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. સાતમી વખત કૈલાશ માનસરોવરની મુલાકાત લઈ રહેલા અનિલ કુમાર જૈને સુરક્ષા અને સુવિધાઓની વધુ સારી વ્યવસ્થા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શનિવારે સાંજે ટનકપુર પહોંચેલા પ્રથમ જૂથનું છોલીયા નૃત્ય, પુષ્પવર્ષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 'હર-હર મહાદેવ' અને 'બમ-બમ ભોલે' ના મંત્રો વચ્ચે, આખા ટનકપુરમાં આધ્યાત્મિક ઉત્સાહનું વાતાવરણ હતું.
હિન્દુસ્થાન સમાચાર/રાજેશ કુમાર પાંડે/સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ