
શોપિયાં, નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સતત થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણીથી અનેક ઘરો અને એક શાળામાં પાણી ભરાઈ ગયું, જેનાથી જનજીવન પ્રભાવિત થયું. આ ઉપરાંત, કિશ્તવાડ જિલ્લાના ચત્રુ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક ઇમારતો અને વાહનોને નુકસાન થયું છે. સાવચેતીના ભાગરૂપે, નેશનલ હાઈવે-244 ના ચત્રુ-કિશ્તવાડ માર્ગને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શોપિયાંના પહેલપોરા ગામમાં ભારે વરસાદ બાદ મોટી માત્રામાં પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું. આનાથી અનેક ઘરો જળમગ્ન થઈ ગયા અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિની જાણ થતાં જ પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (એસડીઆરએફ ) અને જિલ્લા પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત તથા બચાવ અભિયાન શરૂ કર્યું.
પ્રશાસન દ્વારા પ્રભાવિત પરિવારોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા, જળભરાવવાળા વિસ્તારોમાંથી પાણી કાઢવા અને નુકસાનનું આકલન કરવાનું કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, પૂરથી અનેક મકાનો અને એક શાળા પ્રભાવિત થયા છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ દરમિયાન, શનિવારે સવારે કિશ્તવાડ જિલ્લાના ચત્રુ વિસ્તારમાં વાદળ ફાટવાથી અનેક ઇમારતોને નુકસાન થયું અને અનેક વાહનો તેજ પ્રવાહમાં તણાઈ ગયા. પ્રશાસન અનુસાર, ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે નેશનલ હાઈવે-244 ના ચત્રુ-કિશ્તવાડ ખંડને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે.
ઘટના બાદ પોલીસ, નાગરિક પ્રશાસન અને અન્ય કટોકટી એજન્સીઓની ટીમો પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. રાહત અને પુનર્વસન કાર્યની સાથે-સાથે નુકસાનનું વિસ્તૃત આકલન કરવામાં આવી રહ્યું છે.
સતત થઈ રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનને જોતા પ્રશાસને, રામબન અને કિશ્તવાડ જિલ્લાઓની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શનિવારે રજા જાહેર કરી છે. રામબનના મુખ્ય શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા પ્રશાસનના નિર્દેશ અનુસાર તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. આ સાથે, શાળાઓના પ્રધાનાચાર્યો અને પ્રાચાર્યોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રભાવિત ન થાય તે માટે યોગ્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન વર્ગોનું સંચાલન સુનિશ્ચિત કરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ