
વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ), નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નજીકના વિજયનગરમ જિલ્લાના ભોગપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદ્ઘાટન કર્યું.
વડાપ્રધાને ગ્રીનફિલ્ડ હવાઈ મથકના રનવે પર ઉતર્યા બાદ યાત્રી ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે નિરીક્ષણ કર્યું.
ટર્મિનલને આંધ્ર પ્રદેશની સંસ્કૃતિ, પરંપરા અને કલા પ્રદર્શિત કરવા માટે શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાને હવાઈ મથકના સ્વાગત દ્વાર પર પ્રદર્શિત મોટા પાયે એટીકોપ્પાકા (Etikoppaka) કલાકૃતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.
વડાપ્રધાન જ્યારે હવાઈ મથકથી બહાર આવ્યા અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય લોકો સાથે વિશેષ વાહન પર જનસભા સ્થળ તરફ આગળ વધ્યા, ત્યારે આદિવાસી મહિલાઓએ તેમના સ્વાગતમાં પરંપરાગત 'ધિમસા' નૃત્ય કર્યું. અધિકારીઓના મતે, 13,500 આદિવાસી મહિલાઓ દ્વારા કરવામાં આવેલા 'ધિમસા' નૃત્યે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. વડાપ્રધાનને, આદિવાસી મહિલાઓના પ્રભાવશાળી નૃત્ય પ્રદર્શનની પ્રશંસા કરતા તાળીઓ પાડતા જોવામાં આવ્યા.
હિન્દુસ્તાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ