
નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય રેલવેએ બિહારમાં પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર-ફતુહા રેલખંડ પર 29 કિલોમીટર લાંબી મલ્ટીટ્રેકિંગ પરિયોજનાને 976 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પરિયોજનાથી પટના રેલમાર્ગ પર ટ્રેનોની ભીડ ઓછી થશે અને મુસાફર તથા માલગાડીઓનું સંચાલન સરળ બનશે.
રેલ મંત્રાલય અનુસાર, પરિયોજના હેઠળ દાનાપુરથી પટના વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઇન, રાજેન્દ્ર નગરથી પટના સાહિબ વચ્ચે ત્રીજી રેલ લાઇન તથા પટના સાહિબથી ફતુહા વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઇન બિછાવવામાં આવશે. આનાથી ટ્રેનોની અવરજવર સુધરશે, વિલંબ ઓછો થશે અને સમયસર સંચાલનમાં સુધારો આવશે.
પરિયોજના શરૂ થયાના પહેલા જ વર્ષમાં આ રેલખંડ પર દરરોજ 22 વધારાની મુસાફર ટ્રેનો અને 18 વધારાની માલગાડીઓ ચલાવી શકાશે. આ સાથે દર વર્ષે 52 લાખ ટન વધારાની માલસામાનની હેરફેરની ક્ષમતા પણ વધી જશે.
આ પરિયોજના દિલ્હી–પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન–પટના–કિઉલ–ભાગલપુર–ખન્ના–હાવડા રેલ માર્ગ પર ચાલી રહેલા ક્ષમતા વિસ્તરણ કાર્યક્રમનો એક ભાગ છે. આ માર્ગ ઊર્જા, ખનિજ અને સિમેન્ટની હેરફેર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બક્સર જિલ્લાના ચૌસામાં બની રહેલા 2120 મેગાવોટ તાપ વિદ્યુત સંયંત્ર માટે પણ આ રેલખંડની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
રેલ મંત્રાલયે જણાવ્યું કે, આ પરિયોજનાથી બિહારમાં રેલ માળખું મજબૂત થશે, માલસામાનની હેરફેર ઝડપી બનશે અને ક્ષેત્રના આર્થિક વિકાસને પણ ગતિ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ