'શિવ ભાવે જીવ સેવા'ના આદર્શને સાકાર કરી રહ્યું, સ્વામી વિવેકાનંદ મેડિકલ મિશન હોસ્પિટલ
- બાલાસાહેબ દેવરસની પ્રેરણાથી શરૂ થયેલી સેવા યાત્રાના 53 વર્ષ પૂર્ણ, હવે 200 બેડની અત્યાધુનિક હોસ્પિટલની તૈયારી નાગપુર, નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) રામકૃષ્ણ પરમહંસના ''શિવ ભાવે જીવ સેવા''ના આદર્શને આત્મસાત કરીને સ્વામી વિવેકાનંદ મેડિકલ મિશન હોસ
શિવ


- બાલાસાહેબ દેવરસની પ્રેરણાથી શરૂ થયેલી સેવા યાત્રાના 53 વર્ષ પૂર્ણ, હવે 200 બેડની અત્યાધુનિક હોસ્પિટલની તૈયારી

નાગપુર, નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) રામકૃષ્ણ પરમહંસના 'શિવ ભાવે જીવ સેવા'ના આદર્શને આત્મસાત કરીને સ્વામી વિવેકાનંદ મેડિકલ મિશન હોસ્પિટલ છેલ્લા 53 વર્ષથી સેવા, સમર્પણ અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ હોસ્પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વાજબી દરે આધુનિક તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

ગૌશાળાથી શરૂ થયેલી સેવા, આજે બની 100 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-

વર્ષ 1974માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રીજા સરસંઘચાલક બાલાસાહેબ દેવરસની પ્રેરણા અને પ્રયાસોથી, વિવેકાનંદ મેડિકલ મિશનની સ્થાપના થઈ. તે સમયે ખાપરીનો આ વિસ્તાર લગભગ જંગલ જેવો હતો અને અહીં સંઘના શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવતું હતું. જે જગ્યાએ આજે હોસ્પિટલની ભવ્ય ઇમારત ઊભી છે, ત્યાં ક્યારેક ગૌશાળા હતી.

બાલાસાહેબ દેવરસે આસપાસના લગભગ 150 ગામોના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનું સ્વપ્ન જોયું અને તેની જવાબદારી પ્રખ્યાત ચિકિત્સક ડો. નાનાસાહેબ સાલ્પેકરને સોંપી. શરૂઆતના તબક્કામાં અઠવાડિયામાં ફક્ત એક દિવસ ઓપીડી ચાલતી હતી. ડોકટરોને મળતી સેમ્પલ દવાઓ જરૂરિયાતમંદ દર્દીઓમાં નિઃશુલ્ક વિતરિત કરવામાં આવતી હતી. સમય જતાં દર્દીઓની સંખ્યા વધી અને સાપ્તાહિક ઓપીડી દરરોજ ચાલવા લાગી. શરૂઆતમાં ફક્ત નેત્ર ચિકિત્સાથી શરૂ થયેલી આ સેવા આજે લગભગ તમામ મુખ્ય રોગોના ઉપચારનું કેન્દ્ર બની ચૂકી છે.

તમામ આધુનિક તબીબી સુવિધાઓ આજે ઉપલબ્ધ છે : ડો. દિલીપ-

વિવેકાનંદ મેડિકલ મિશનના અધ્યક્ષ ડો. દિલીપ ગુપ્તાએ જણાવ્યું કે, ગૌશાળાથી શરૂ થયેલી આ હોસ્પિટલ આજે 100 બેડની આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની ચૂકી છે. અહીં લેપ્રોસ્કોપિક (દૂરબીન) સર્જરી, ન્યુરો સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કરોડરજ્જુનો ઉપચાર, ફિઝિયોથેરાપી, લેઝર ટેકનિકથી વેરીકોઝ વેઇન્સનો ઇલાજ, સીટી સ્કેન, ડાયાલિસિસ, બાળકોની હૃદય શલ્ય ચિકિત્સા, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ત્રી અને પ્રસુતિ રોગ, નેત્ર ચિકિત્સા સહિત અનેક આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.

તેમણે જણાવ્યું કે, હોસ્પિટલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી હોવાથી માર્ગ અકસ્માતોમાં ઘાયલ દર્દીઓને સૌથી પહેલા અહીં લાવવામાં આવે છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં 100 બેડની સાથે 11 આઈસીયુ બેડ પણ કાર્યરત છે. આ ઉપરાંત અહીં નર્સિંગ તાલીમ પણ આપવામાં આવે છે, જ્યાં હાલમાં બે વર્ષના અભ્યાસક્રમમાં 40 વિદ્યાર્થીનીઓ તાલીમ મેળવી રહી છે.

સરકારી યોજનાઓ હેઠળ ગરીબોનો નિઃશુલ્ક ઉપચાર : મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ-

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મીનાક્ષી ખડક્કારે જણાવ્યું કે, હોસ્પિટલમાં ઈએનટી, ઓર્થોપેડિક્સ, નેત્ર રોગ, હૃદય રોગ, સ્ત્રી અને પ્રસુતિ રોગ સહિત લગભગ તમામ મુખ્ય તબીબી સેવાઓ એક જ પરિસરમાં ઉપલબ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ આર્થિક રીતે નબળા દર્દીઓનો નિઃશુલ્ક ઉપચાર પણ કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે, સતત વધતા તબીબી ખર્ચ વચ્ચે આ હોસ્પિટલ હજારો પરિવારો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે.

જનસહયોગથી ઊભું થયેલું સેવાનું આ વિશાળ સંસ્થાન-

ડો. દિલીપ ગુપ્તાએ જણાવ્યું કે, વિવેકાનંદ મેડિકલ મિશનની સંપૂર્ણ યાત્રા સમાજના સહયોગ અને સ્વયંસેવકોના સમર્પણનું ઉદાહરણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા ભંડોળ સંગ્રહની સાથે સાથે સમય સમય પર સમાજ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી હોસ્પિટલ સતત વિકસિત થતી ગઈ. હોસ્પિટલની સેવા ભાવનાથી પ્રભાવિત થઈને વિદેશી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો. જાપાન સરકારે હોસ્પિટલને અત્યાધુનિક ન્યુરો સર્જરી ઉપકરણો પૂરા પાડ્યા, જેનાથી જટિલ મગજ સંબંધિત ઉપચારોમાં મોટી સુવિધા મળી. જ્યારે બ્રહ્મોસ તરફથી બાળકો માટે આધુનિક વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. વર્તમાનમાં હોસ્પિટલમાં લગભગ તમામ મુખ્ય સુપર સ્પેશિયાલિટી સેવાઓ કાર્યરત છે.

હવે 200 બેડની અત્યાધુનિક હોસ્પિટલની તૈયારી-

ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડતા ડો. ગુપ્તાએ જણાવ્યું કે, હાલના ભવનને અડીને આવેલી જમીન પર 200 બેડની નવી અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણની યોજના પર કાર્ય ચાલી રહ્યું છે. પ્રસ્તાવિત 11 માળના ભવનમાં 60 આઈસીયુ બેડ, નવ આધુનિક ઓપરેશન થિયેટર તથા રોબોટિક સર્જરી યુનિટ સ્થાપિત કરવામાં આવશે. આનાથી વિદર્ભ સહિત આસપાસના રાજ્યોના દર્દીઓને પણ ઉચ્ચ સ્તરીય તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે.

તેમણે કહ્યું કે, બાલાસાહેબ દેવરસનો જે ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઓછા ખર્ચે વધુ સારી સારવાર પૂરી પાડવાનું સ્વપ્ન હતું, સ્વામી વિવેકાનંદ મેડિકલ મિશન તે જ સેવા સંકલ્પને આગળ વધારતા આજે પણ 'શિવ ભાવે જીવ સેવા'ના આદર્શને જીવંત રાખી રહ્યું છે. આ જ સેવા, સમર્પણ અને માનવીય સંવેદના આ સંસ્થાની સૌથી મોટી ઓળખ છે.

હિન્દુસ્થાન સમાચાર/મનીષ કુલકર્ણી/રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande