
નવી દિલ્હી, 01 ઓગસ્ટ (હિ.સ.) બોલિવૂડ અભિનેતા સલમાન ખાને પોતાના નજીકના મિત્ર અને અભિનેતા સંજય દત્ત માટે, સામાજિક મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને તેમની મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંજય દત્તના 67મા જન્મદિવસના થોડા દિવસો પછી, સલમાને તેમની સાથે એક તસવીર શેર કરી, જેમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે.
તસવીર સાથે સલમાને લખ્યું, બાબા, હંમેશા માટે બાબા અને બાબા, બાબા હોય છે. સંજુ બાબા છે આપણે સૌના બાબા અને સંજુ બાબા હવે પોતાના બાળકોના બાબા, મારો મોટો ભાઈ સંજય દત્ત, અલ્લાહ, ભગવાન, જીસસ સૌ આ માણસને ખુશ રાખે, હું તને પ્રેમ કરું છું, બાબા. સલમાનનો આ સંદેશ સામાજિક મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને પ્રશંસકો બંને સિતારાઓની મિત્રતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
સલમાન ખાન અને સંજય દત્તની મિત્રતા બોલિવૂડની સૌથી મજબૂત મિત્રતાઓમાં ગણાય છે. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાં 'સાજન', 'ચલ મેરે ભાઈ' અને 'યે હૈ જલવા'નો સમાવેશ થાય છે. મોટા પડદા પર તેમના શાનદાર તાલમેલની સાથે-સાથે અંગત જીવનમાં પણ બંને, હંમેશા એકબીજાના સુખ-દુઃખમાં સાથે ઊભા રહ્યા છે. આ જ કારણ છે કે તેમની મિત્રતા આજે પણ પ્રશંસકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એક મુલાકાતમાં સંજય દત્તે પણ સલમાન ખાનને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'સાજન'ના સમયથી બંનેનો સંબંધ ખૂબ જ ખાસ રહ્યો છે અને તેઓ સલમાનથી ક્યારેય અલગ થઈ શકતા નથી. હવે સલમાનના આ ભાવુક સંદેશે, ફરી એકવાર બંને સિતારાઓની ગાઢ મિત્રતાને ચર્ચામાં લાવી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ