
મેડ્રિડ, નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). ઉત્તર આફ્રિકામાં આવેલા સ્પેનના સ્વાયત્ત ક્ષેત્ર સ્યુટામાં સ્થળાંતરિતોના મોટા પાયે આગમન પછી, પરિસ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે. સ્પેન સરકાર અનુસાર, સરહદ પાર કરનારા 60,000 સ્થળાંતરિતોમાંથી 48,300 થી વધુ લોકો પોતાની મરજીથી મોરોક્કો પાછા ફર્યા છે.
ફ્રાન્સના સરકારી આંતરરાષ્ટ્રીય સમાચાર ટેલિવિઝન નેટવર્ક ફ્રાન્સ 24 અનુસાર, સ્પેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, ગુરુવારે સવારથી મોટી સંખ્યામાં લોકો જમીન અને સમુદ્ર માર્ગે સ્યુટા પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં અફરાતફરી અને માનવીય સંકટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોરોક્કોના સુરક્ષા દળોએ સરહદ પર લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને નવા સ્થળાંતરિતોને સરહદ પાર કરતા રોકવાનો પ્રયાસ કર્યો.
યુરોપિયન કમિશન (ઈયુ) ના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને, આ પરિસ્થિતિને અસ્વીકાર્ય ગણાવતા કહ્યું કે, યુરોપિયન યુનિયનમાં નિયમોનું પાલન કર્યા વિના કોઈને પણ પ્રવેશની મંજૂરી આપી શકાય નહીં.
આ દરમિયાન ઇટાલીએ સ્પેનને શેંગેન મુક્ત-આવરજાવ ક્ષેત્રમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી. બાદમાં ફિનલેન્ડ અને ડેનમાર્કે પણ આ માંગને સમર્થન આપ્યું. જ્યારે, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે મોરોક્કોને ગેરકાયદેસર સ્થળાંતરિતોને તાત્કાલિક પાછા લેવાની અપીલ કરી.
ફ્રાન્સ અને બ્રિટને સંકટનો સામનો કરવામાં સ્પેનને મદદ કરવાની ઓફર કરી છે, જ્યારે ફ્રાન્સે સ્પેન સાથેની પોતાની સરહદ પર સુરક્ષા તપાસ પણ કડક કરી દીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, આ સ્થળાંતરિત સંકટને લઈને સ્પેન સરકાર પર નિશાન સાધ્યું. મેરીલેન્ડ સ્થિત કેમ્પ ડેવિડમાં કેબિનેટ બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, સ્યુટામાં જે પરિસ્થિતિઓ સર્જાઈ છે, તે અનિયંત્રિત સ્થળાંતરના ખતરાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, મેં સ્પેનમાં થયેલી તબાહી જોઈ. એવું લાગી રહ્યું હતું કે, જાણે લાખો લોકોએ કોઈ દેશ પર હુમલો કર્યો હોય. જો યોગ્ય નીતિઓ અપનાવવામાં નહીં આવે તો અમેરિકામાં પણ આનાથી મોટી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.
અમેરિકી વિદેશ વિભાગે પણ એક નિવેદન જારી કરીને, સ્પેન સરકાર પર યુરોપમાં મોટા પાયે ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમેરિકા આ મુદ્દે પોતાના સહયોગીઓ સાથે સંભવિત પગલાંઓ પર વિચાર કરી રહ્યું છે.
યુરોપના ઘણા જમણેરી નેતાઓએ પણ આ સંકટને લઈને સખત પ્રતિક્રિયા આપી. જર્મનીની અલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી) પાર્ટીના સહ-નેતા એલિસ વાઈડેલે કહ્યું કે, મોટી સંખ્યામાં સ્થળાંતરિતોનું આગમન સમગ્ર યુરોપ માટે એક પડકાર છે. જ્યારે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ચેક ગણરાજ્યના વડાપ્રધાન આન્દ્રેજ બાબિસે પણ સ્પેનની ઇમિગ્રેશન નીતિ પર સવાલો ઉઠાવ્યા.
જોકે, સ્પેન સરકારનું કહેવું છે કે, પરિસ્થિતિ હવે ઝડપથી સામાન્ય થઈ રહી છે અને મોટી સંખ્યામાં સ્થળાંતરિતો સ્વેચ્છાએ મોરોક્કો પાછા ફર્યા છે. સરકારે અન્ય દેશો પર આ માનવીય સંકટનો રાજકીય લાભ ઉઠાવવાનો પણ આરોપ લગાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ